સુરતના ગોડાદરા પ્રતાપ ચોક પાસે ઋષિનગર સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલી 2 વર્ષીય બાળકીને એક થ્રી વ્હિલર ટેમ્પો ચાલકે અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી ટેમ્પા ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બે વર્ષીય બાળકીનું મોત
સુરતમાં બે વર્ષની બાળકી ઘર આંગણે રમતા અકસ્માતનો ભોગ બની છે. સુરતમાં આવી અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં ઘર આંગણે રમી રહેલી બે વર્ષ બાળકી અનુષ્કા પરથી પાણીની ડિલિવરી કરતો થ્રી વ્હિલર ટેમ્પો પસાર થઈ ગયો હતો. જેને લઇ બાળકીનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
પરિવારમાં શોક છવાયો
મૂળ બિહારના પટનાના પન્ડારક તાલુકાના પૈઠાનીચકનના વતની અને હાલ ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક પાસે ઋષિનગર સોસાયટીમાં રહેતો અખિલેશ ગીતાારામ યાદવ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ટેમ્પો ચલાવી પત્ની અને બે માસુમ બાળકીઓનું ગુજરાન ચલાવે છે. અખિલેશ યાદવની 2 વર્ષીય દીકરી અનુષ્કા બપોરના સમયે ઘરની બહા૨ ૨મી રહી હતી. દરમ્યાન પાણીની ડિલિવરી માટે નજીકમાં રહેતા થ્રી વ્હિલ ટેમ્પો ચાલકે બાળકીને અડફેટે લીધી હતી. જેને લઇ બે વર્ષીય માસૂમ અનુષ્કાને ગંભીર ઇજા થઇ હતી. જેથી સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. હસતી રમતી માસુમ અચાનક જ અકસ્માતનો ભોગ બની મોત નીપજતા પરીવારમાં શોક છવાઈ ગયો હતો.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
ઘટના અંગે ગોડાદરા પોલીસને જાણ થતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યા પોલીસને જાણવા મળ્યું હતું કે પાણીની ડિલિવરી કરતા થ્રી વ્હીલર ટેમ્પો ચાલક દ્વારા ઘર નજીક રમી રહેલી બાળકી અનુષ્કાને પાછળથી ટક્કર મારી હતી. જેને લઇ માસૂમ પટકાઈ હતી અને ટેમ્પાના ચાલકે બાળકીના ગળા ઉપરથી વ્હિલ ફેરવી દીધું હતું. જેને લઇ બાળકીનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.