તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટનો આદેશ પર કાર્યવાહી:સુરત એરપોર્ટના રન-વેને નડતાં 198 બિલ્ડિંગના 1440 ફ્લેટ તૂટે તો 47 હજારથી વધુ લોકો ઘર ગુમાવશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસુ સહિતના પ્રોજેક્ટના સંભવિત ડિમોલિશન મામલે ક્રેડાઇ મેદાનમાં
  • નડતરરૂપ પ્રોજેક્ટમાં ફ્લેટધારકોની 1000 કરોડની લોન પણ ચાલુ, બાંધકામ સમયે NOC અને BUC પણ આપ્યું હતું તો હવે ગેરકાયદે કેવી રીતે: બિલ્ડરો

એરપોર્ટના રન-વેને નડતરરૂપ વિવાદાસ્પદ હાઇરાઇઝ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર ડિમોલિશનનો તખતો ગોઠવવામાં લાગી ગયું છે, ત્યારે શહેરના બિલ્ડર્સ સમૂહ ક્રેડાઇએ બિલ્ડિંગોને બચાવવા મેદાનમાં ઝંપલાવ્યું છે. સાથે જ પ્રતિભાવ દર્શાવી કાર્યવાહીના પરિણામ, અવરોધરૂપ મુદ્દા અને એના ઉકેલ તરફ મંતવ્યો રજૂ કર્યાં છે.

પાલિકાની કામગીરી પર સવાલ
ક્રેડાઇએ પાલિકાની કામગીરી પર આંગળી ચીંધી કહ્યું હતું કે રજાચિઠ્ઠી સ્થગિત કરતી નોટિસને પગલે 40 પ્રોજેક્ટનાં 198 બિલ્ડિંગના 8,064 ફ્લેટ પૈકીના 1,440 ફ્લેટ તોડવા પડે એમ છે, જેનાથી 47,520 રહીશો ઘર ગુમાવશે. આ તમામ ઇમારતો કાયદેસર છે, જેને પાલિકાએ જ અધિકૃત કરી હતી. હવે પાલિકાએ જ ઊંચાઈ ચકાસી નોટિસો આપી છે. આ ઇમારતોને વર્ષ 2007થી 2016ના ગાળામાં BUC પણ આપી દેવાયા હતા. વળી, તમામ બિલ્ડિંગોમાં હવે ફ્લેટધારકો વહીવટ કરતા હોવાથી કોઈ ડેવલપર્સનો અધિકાર કે કબજો નથી.

તાત્કાલિક ઉકેલ શક્ય નથી
ઇમારતોને GSR એક્ટ 751 (E)ની કલમ 16 મુજબ લાંબા સમય બાદ નોટિસ અપાઈ છે. આ ઉપરાંત જે-તે સમયે ખુદ એરપોર્ટ ઓથોરિટીએ પણ એનઓસી આપી હતી. જો 1440 ફ્લેટ તોડી પાડવામાં આવે તો DGCIએ ધારકોને કુલ રૂ. 4,100 કરોડનું વળતર ચૂકવવું પડી શકે છે, તેથી અંતિમ ડિમોલિશન નોટિસ પછી પણ તાત્કાલિક ઉકેલ શક્ય નથી. વળી, આ તમામ પ્રોજેક્ટોમાં 1,000 કરોડની બેંક લોન ચાલી રહી હોવાથી ફ્લેટ હોલ્ડરોને તેની ચુકવણીમાં પણ મુશ્કેલી આવશે.

DGCIએ 4100 કરોડનું વળતર ચૂકવવું પડી શકે
ક્રેડાઈ : 9 વર્ષ પછી સર્વે, AAIએ પણ નિયમ તોડ્યા

AAIના RL બિંદુના માપ બંધ બેસતા નથી. 1.67 મી.ના વધારા સાથે હાઇટ માપી છે. આ બિલ્ડિંગોની હાઇટ, NOCના સર્વે 9 વર્ષ પછી કરાયા છે, જેથી AAIએ પણ કાનૂની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યું છે. NOC પહેલાં સ્થળની તપાસ કરી ન હોય એ શક્ય છે. - રવજી પટેલ, પ્રમુખ, ક્રેડાઇ

ડેવલપર્સ : પહેલાં સુડા હતું, હવે મહાપાલિકા છે
વેસુ અગાઉ સુડામાં હતો, જેથી એના નકશા તથા બ્લોક નંબરના આધારે NOC મેળવી હતી. પછી ટીપી લાગુ થઈ હતી. PWD અને AAIના જમીન લેવલના આંકડા જુદા છે. તંત્રએ રિવ્યૂ કરી તમામને રજૂઆતની તક આપવી જોઇએ. - શિવલાલ પોંખિયા, ડેવલપર

સંબંધિત વિભાગો શું કહે છે?
ભળતા જ સ્થળે પ્રોજેક્ટ બનાવી દેવાયા હતા

હવે લોકલ એડમિનિસ્ટ્રેશને કાર્યવાહી કરશે. NOC મેળવવા રન-વેથી દૂરના સર્વે નંબર દર્શાવાયા હતા. જ્યારે કન્સ્ટ્રક્શન નજીકના લોકેશન પર કરાયું છે, જેથી NOC ઇનવેલિડ કહી શકાય. - અમન સૈની, એરપોર્ટ ડિરેક્ટર

આદેશની રાહ, પાલિકા કાર્યવાહી માટે તૈયાર
પાલિકાએ હવે અંતિમ નિર્ણય માટે એરપોર્ટ ઓથોરિટી કમ કલેક્ટર પર આધાર રાખ્યો છે. આદેશ મળ્યે અમે જરૂરી મશીનરી સાથે પહોંચી જવાની તૈયારી કરી રાખી છે. - અધિકારી, મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ, પાલિકા

નિદોર્ષ ફ્લેટહોલ્ડરોની મૂડી દાવ પર લાગી ગઈ
NOC ખોટી હોવાનું કહ્યા બાદ પણ બાંધકામ કરાયાં હતાં. લોકોએ રજાચિઠ્ઠી અને બીયુસી પર વિશ્વાસ મૂકી ફ્લેટ ખરીદ્યા હતાં. AAIએ પણ કહ્યું હતું કે NOC ખોટી છે. ફ્લેટધારકો પોલીસ ફરિયાદ કરી શકે. વિશ્વાસ ભાંબુરકર, પિટિશનર

એક્સપર્ટ વ્યૂ, નવા HFL નક્કી થાય તો એવું નથી કે જૂની હાઇટ ખોટી
અગાઉ ગ્રાઉન્ડની હાઇટ મેન્યુઅલી નક્કી થતી હતી. 2016 પહેલાં તો સી-લેવલ પણ નક્કી ન હતું. તારણ મેળવવા ગ્રાઉન્ડ લેવલના આધારે રિવ્યૂ થવો જોઇએ છતાં એ જરૂરી નથી કે હાઇ ફ્લડ લેવલ, રિડ્યુઝ લેવલ નક્કી થયા પહેલાંની હાઇટ ખોટી જ હોય. - સુનીલ જરીવાળા, જમીન કાયદાના વકીલ