વધુ એક બૂટલેગર બેફામ:સુરતમાં 'જીવન જલસાથી જીવી કાયમ મોજ કરી અમે...' ગીત પર હાથમાં દારૂ-બિયરનાં ટિન સાથે મોજ-મસ્તી કરતો વીડિયો વાઇરલ

સુરત4 મહિનો પહેલા
બૂટલેગરના સમર્થકો દારૂ-બિયરની બોટલ સાથે ડાન્સ કરતાં વીડિયોમાં કેદ થયા.
  • સુરત શહેર અને જિલ્લાના બૂટલેગરો બેફામ બન્યા

સુરત શહેર અને જિલ્લામાં સમયાંતરે બૂટલેગરોના વીડિયો સામે આવી રહ્યા છે. સુરત જિલ્લાના કુખ્યાત બૂટલેગર કેયૂર ભંડેરીનો વીડિયો વાઇરલ થયો છે. સુરત જિલ્લામાં વોન્ટેડ બૂટલેગર હોવા છતાં પણ બેફામ રીતે મોજ-મસ્તી કરી રહ્યા છે. દારૂ-બિયરનાં ટિન હાથમાં લઈને ખુલ્લેઆમ આ રીતે કાયદાથી ઉપરવટ જઈને તેઓ વીડિયો વાઇરલ કરી રહ્યા છે.

બેફામ બનીને મોજ-મસ્તી કરતા દેખાયા
દારૂબંધીની વાત કરતી સરકારની સામે બૂટલેગરોએ જાણે પડકાર ફેંક્યો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. બૂટલેગરોને કાયદો-વ્યવસ્થાનો ડર ન હોય એ રીતે તેવો બેફામ બનીને મોજ-મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. બૂટલેગરો અને તેના સાગરીતો જાહેર સ્થળો પર દારૂની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં ડીજે પર નાચતા બૂટલેગર અને તેના સાગરીતો નજરે પડ્યા.
વીડિયોમાં ડીજે પર નાચતા બૂટલેગર અને તેના સાગરીતો નજરે પડ્યા.

પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનાં પગલાં લેવાતાં નથી
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત બૂટલેગરો દ્વારા જાહેરમાં પોતાનો જન્મદિવસ ઊજવતા અને દારૂની મહેફિલ માણતા વીડિયો સામે આવી રહ્યા છે. જાહેરમાં જન્મદિવસની ઉજવણી ન કરવા માટેનો પરિપત્ર હોવા છતાં પણ બૂટલેગરોએ કોઈપણ જાતના ડર વગર પોતાનો જન્મદિવસ મોડી રાત સુધી જાહેર રસ્તા પર ઊજવતા દેખાઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે લિસ્ટેડ બૂટલેગર હોવા છતાં પણ તેઓ જાહેરમાં આ રીતે કાર્યક્રમ કરીને પોતે ઉજવણી કરી રહ્યા છે છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનાં પગલાં લેવાતાં નથી.

બૂટલેગર કેયૂર ભંડેરીને ખભા પર ઊંચકી લીધો હતો.
બૂટલેગર કેયૂર ભંડેરીને ખભા પર ઊંચકી લીધો હતો.

દારૂની બોટલો હાથમાં લઈને ડીજે પર નાચ્યા
સુરત શહેર અને જિલ્લા પોલીસનું બૂટલેગરો સામે નરમ વલણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લિસ્ટેડ બૂટલેગરોને પણ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી રહી છે. જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનની હદમાં બૂટલેગરો ખુલ્લેઆમ દારૂનો વેપલો ચલાવી રહ્યા છે છતાં પણ સ્થાનિક પોલીસ તેમને ઝબ્બે કરવામાં નિષ્ફળ થઇ રહી છે. એટલું જ નહીં, પરંતુ જાહેર સ્થળો પર ખુલ્લેઆમ દારૂની બોટલો હાથમાં લઈને ડીજે પર નાચતા જોવા મળી રહ્યા છે.

ડાન્સ કરતા યુવાનોના હાથમાં દારૂ-બિયરનાં ટિન જોવા મળ્યાં હતાં.
ડાન્સ કરતા યુવાનોના હાથમાં દારૂ-બિયરનાં ટિન જોવા મળ્યાં હતાં.

અગાઉ સુરતના બૂટલેગરનો વીડિયો વાઈરલ થયો હતો
બે દિવસ પહેલાં સુરત શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારના કુખ્યાત ગણાતા બૂટલેગર વલ્લીઉલ્લાના જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયો 28 જૂનની રાત્રિનો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. એટલું જ નહીં, પણ બૂટલેગરના સમર્થકોએ રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ પાસે ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરી હતી. જોકે રેલવે પોલીસની હદમાં કરાયેલી ઉજવણી બાદ પણ કોઈ પગલાં ન ભરાતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.

નશામાં ચૂર થઈને ડાન્સ કરી રહેલા બૂટલેગરના સમર્થકો વીડિયોમાં કેદ.
નશામાં ચૂર થઈને ડાન્સ કરી રહેલા બૂટલેગરના સમર્થકો વીડિયોમાં કેદ.