2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી ચૂંટણીમાં ભાજપે પાટીદાર પ્રભુત્વવાળી કામરેજ બેઠક પર વિજય મેળવ્યો હતો. હવે 2022માં આ વખતે 4.25 લાખ પાટીદાર મતદારોવાળી આ બેઠક પર પ્રથમ વખત ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. બુધવારે `દિવ્ય ભાસ્કર`ની ટીમે સુરતની 162-કામરેજ વિધાનસભા વિસ્તારમાં મતદારોનો મુડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠક પર પાટીદારો બાદ સૌથી વધુ સંખ્યા એસસી અને એસટી સમાજની છે. જેમાં 45 હજાર મતો એસસી અને એસટી છે. તેની સાથે જ 40 હજાર જેટલા ઓબીસી મતદારો છે. તેમની સાથે 20 હજાર પશુપાલક સમાજ અને 15 હજાર મુસ્લિમ મતો છે.
આમ તો કામરેજ વિધાનસભા બેઠક પર અવિરત વર્ષ-2002થી ભાજપના ઉમેદવારો લીડ પ્રાપ્ત કરી છે. વર્ષ 2012માં આ બેઠક પર ભાજપની લીડ 62 હજાર હતી. જે પાટીદાર આંદોલનના પગલે વર્ષ 2017માં ઘટીને 27 હજાર રહી ગઇ હતી. ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રીજા મોરચા તરીકે જાહેર થતાં પાટીદાર વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીના 27 જેટલાં કોર્પોરેટર ચૂંટાઇ આવ્યાં હતાં.
હાલ યોજાયેલી વિધાનસભા ચૂંટણી-2022માં પણ આમ આદમી પાર્ટી ઝંપલાવી રહી છે ત્યારે સુરતની કામરેજ બેઠક પર પાટીદાર અનામત આંદોલનની અસર વર્તાવાની સંભાવના સ્થાનીકોએ રજૂ કરી હતી. કામરેજ બેઠક પર પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરિયાને ઉમેદવારની કમાન સોંપી છે. તેવી જ રીતે કોંગ્રેસના પાટીદાર નેતા નિલેશ કુંભાણી જ્યારે આમ આદમી પાર્ટીની રચના સાથે વરાયેલા રામ ધડૂક વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે તે નક્કી છે.
પાયાની સુવિધાઓ-ટ્રાફિક સમસ્યાની બૂમ
કામરેજ વિધાનસભામાં પાયાની સુવિધાઓ મુદ્દે વારંવારની ફરિયાદો અને ટ્રાફિક સમસ્યા પણ રહીશો માટે માથાનો દુઃખાવા સમાન છે. તાજેતરમાં શહેરનો હિસ્સો બનેલાં કામરેજના નવા ગામોમાં ગંદકી, પાણી-ડ્રેનેજ અને રસ્તા નિર્માણની પાયાની સુવિધાના અભાવનો મુદ્દો હાલની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા અદા કરશે તેવી ચર્ચા છે.
ભાજપે કામરેજના વોર્ડ પણ દત્તક લીધાં હતાં
કામરેજ વિધાનસભા બેઠકના વિવિધ વોર્ડ પર ગત સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપ દ્વારા પાટીદાર નેતાને ડેપ્યુટી મેયર પદ આપ્યું હતું. એટલું જ નહીં આ વિસ્તારના કેટલાક વોર્ડમાં આપના કોર્પોરેટર હોવા છતાં તે વોર્ડ દત્તક લઇ વિકાસ કામોને વેગ અપાયું હતું. શાસકો દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં અહીં પાયાના વિકાસ કામો પર મોટા ઉપાડે કામગીરી કરાઇ છેે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.