અકસ્માત:પરવટ પાટિયા પાસે ટેન્કરે બાઇકને અડફેટે લેતાં કિશોરીનું મોત, 2ને ઇજા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાદી-પૌત્રી નિઝર જવા ST ડેપો જઇ રહ્યા હતાં
  • વૃદ્ધા લિંબાયતમાં​​​​​​​ ભાઇને મળવા આવ્યા હતાં

પરવત પાટીયા નજીક પુરપાટ ઝડપે આવતા એક ટેન્કર ચાલકે બાઈક પર પસાર થતા દાદી અને પૌત્રી સહિત ૩ને અડફેટમાં લઈ લીધા હતા. પૌત્રીના માથા પરથી ટેન્કર ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

પરવટ પાટિયા મોડલ ટાઉન નજીક બેફામ ટેન્કરચાલકની અડફેટમાં 17 વર્ષીય પૌત્રીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે આ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘવાયેલા દાદી અને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 3 લોકોને અડફેટે લેવાના બનાવ અંગે લિંબાયત પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળેલી માહિતી મુજબ નિઝરના મુબારકપુર ગામ ખાતે રહેતા વિમલબેન ધોરણ 12માં અભ્યાસ કરતી તેમની 17 વર્ષીય પૌત્રી હિના વિનોદભાઈ પટેલને સાથે લઈ લિંબાયત મહાદેવ નગર ખાતે રહેતા તેમના ભાઈ રમેશ પટેલના ઘરે આવ્યા હતા. પોતાના ભાઈને મળીને વિમલબેન રવિવારે મળસ્કે પોતાના ઘરે નિઝર જવા માટે નીકળ્યા હતા. રમેશભાઈની પાડોશમાં રહેતા અને ટેક્ષટાઈલ માર્કેટમાં કામ કરતા ખેમરાજ પાટીલ સાથે બાઈક પર તેઓ વતન જવા માટે એસટી ડેપો જતા હતા.

દરમિયાન પરવટ પાટીયા મોડેલ ટાઉન પાસે કબુતર સર્કલ નજીક પર્વત પાટીયા તરફથી પુરઝડપે આવતા બેફામ ટેન્કરના ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી. જેથી વિમલબેન અને હેમરાજભાઈ બાઈક પરથી એક તરફ ફંગોળાઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે હિના ટેન્કર તરફ પટકાઈ હતી અને ટેન્કરનુ વ્હીલ હિનાના માથા પરથી ફરી વળતા તેનંુ ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. ટેન્કર ચાલકે ત્રણ લોકોને અડફેટે લેવાની ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ખેમરાજભાઈની ફરીયાદના આધારે અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...