શહેરના લિંબાયત વિસ્તારમાં ઉંઘમાં ચાલતા ચાલતા ત્રીજા માળની બારીમાંથી અકસ્માતે નીચે પટકાતા એક કિશોરનું મોત નિપજ્યું હતું. કિશોરને ઉંઘમાં ચાલવાની બીમારી હતી. કિશોરનું ટુંકી સારવાર બાદ સ્મીમેરમાં મોત નિપજ્યુ હતું. જોકે કિશોરનું મોત નિપજ્યું હોવાનું પરિવારના સભ્યો માનવા તૈયાર ન હતા. જેથી તેઓ બળજબરી મૃતદેહ ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. આખરે પોલીસને જાણ થતા મૃતદેહ પરત સ્મીમેર હોસ્પિટલ લઈ આવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
આ અંગે મળતી વગતો અનુસાર, લિંબાયત અંબાનગર ખાતે રહેતા એઝીઝ પઠાણ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો ૧૭ વર્ષીય પુત્ર શેહબાઝ બોબીનના ફીરકાના કારખાનામાં કામ કરી પરિવારના ગુજરાનમાં મદદરૂપ થતો હતો. શેહબાઝને ઉંઘમાં ચાલવાની બીમારી હતી. મંગળવારે મોડી રાત્રે શેહબાઝ ત્રીજા માળે ઘરમાં સુતો હતો. ત્યારે ઉંઘમાં ચાલતા ચાલતા બારી પાસે પહોંચી ગયો હતો અને અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. શેહબાઝની ચીસ સાંભળી પરિવારના સભ્યો નીચે દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા શેહબાઝને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.
જોકે શેહબાઝનું મોત નિપજ્યું હોવાનું તેના પરિવારના સભ્યો માનવા તૈયાર ન હતા અને તેઓ શેહબાઝને બળજબરીપૂર્વક અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં પણ તેને મૃત જાહેર કરાયો હતો. બનાવની જાણ થતા લિંબાયત પોલીસે હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને શેહબાઝનો મૃતદેહ પરત સ્મીમેર હોસ્પિટલ લઈ જઈ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.