શહેરમાં 108 એમ્બ્યુલન્સની ટીમે એક ખેતમજુર મહિલાની ક્રિટીકલ કંડીશનમાં પ્રસુતી ખેતરમાં જ આડશ ઉભી કરી કરાવી હતી. જ્યારે બે મહિલાઓની પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવી હતી. ત્રણેય પ્રસુતાઓને અને નવજાતને પ્રાથમિક સારવાર બાદ હેલ્થ સેન્ટર તેમજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દેલાડવા ગામ અને મોહણી ગામની વચ્ચે શેરડીના ખેતરમાંથી 108ને એક મહિલાને પ્રસવ પીડા થતી હોવાનો કોલ મળ્યો હતો. જોકે મોડેથી કોલ મળતા માતા અને સંતાનનેને જોખમ હોવાથી ખેતરમાં જ પ્રસુતિ કરાવવામાં આવી હતી. મહિલાઓએ સાડીઓ વડે આડશ કરી 108ની ટીમે પ્રસુતા પિન્કીબેન અવિનાશભાઈ જજનાર(19)ની ત્યાંજ પ્રસુતિકરાવી હતી. તેમણે બાળકીને જન્મ આપ્યો હતો જેનું વજન 1.5 કિલો હતું. 108ના સ્ટાફે બાળકીને કોડક્લેમ્પ કરી માતા અને બાળકીને એમ્બ્યુલન્સમાં લઇ ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
અન્ય બનાવમાં રવિવારે સાંજે 108ના હીરાબાગ લોકેશનને વરાછા ઘનશ્યામ નગર ખાતે રહેતા 18 વર્ષીય સંગીતાબેનને પ્રસવ પીડા થઈ રહી હોવાનો કોલ મળ્યો હતો. 108ની ટીમ ત્યા પહોંચીને સંગીતાબેનને એમ્બ્યુલન્સમાં લઈ રચના સર્કલ પાસે કરંજ હેલ્થ સેન્ટર ખાતે લઈ જતા હતા. રસ્તામાં જ બાળકનું માથુ બહાર આવી જતા 108 ઈએમટી મોગરાબેને એમ્બ્યુલન્સ રસ્તામાં ઉભી રખાવીને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતી કરાવી હતી. ત્યાર બાદ બાળકને ન્યુ બોર્ન કેર આપી કરંજ હેલ્થ સેન્ટરમાં શિફ્ટ કરાવ્યા હતા.
ત્રીજા બનાવમાં રવિવારે રાત્રે અમરોલી સતાધાર સોસાયટીમાં રહેતા 28 વર્ષીય રીનાબેન પ્રધાનને પ્રસવ પીડા થતી હોવાનો કોલ મળ્યો હતો. જેથી 108ની ટીમ ત્યાં પહોંચી રીનાબેનને લઈ સ્મીમેર હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં જ બાળકનું માથુ બહાર આવી જતા કતારગામ દરવાજા પાસે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતી કરાવી હતી. જેમાં રીનાબેને 3.5 કિલોના સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.