સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મી પ્રકાશ પાટીલ વિરુદ્ધ પુણા ગામ પોલીસમાં ખંડણીનો વધુ એક કેસ નોંધવામાં આવ્યો હતો અને ધરપકડ કરવામાં આવી હતી.આરોપી પોલીસકર્મીએ રસ્તા પરથી માલસામાન લઈ જતા વેપારીને રોકીને કાર જપ્ત કરવાની ધમકી આપી નવ હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ખંડણીનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે કારનો નંબર મેળવ્યો હતો અને થોડા જ કલાકોમાં આરોપી પોલીસ ઝડપાઈ ગયો હતો.
પોલીસથી મળેલી માહિતી મુજબ પાસોદરાના ક્રિષ્ના રો હાઉસમાં રહેતા રાજેશભાઈ બોળચંદભાઈ જાસોલીયા મસાલાનો વેપાર કરે છે.17મી જૂને તેઓ દુકાન બંધ કરી પત્ની સાથે કારમાં નીકળ્યા હતા.રાજેશભાઇ જાસોલિયા પુણા કેનાલ રોડ પરના રંગવધૂત ચારરસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક કાર ચાલકે જોર જોરથી હોર્ન વગાડવાનું શરૂ કર્યું અને પછી વેપારીની કારની નજીક આવી કાર સાઈડમાં લેવા કહ્યું હતું.
વેપારીઓ કારને સાઈડમાં લીધા બાદ તેણે પોતાની ઓળખ પોલીસ કર્મચારી તરીકે આપી હતી. આટલો બધો સામાન લઇને જઇ રહ્યો છે એટલે તારી કાર જમા કરાવી દઈશ તેમ કહી પોલીસ સ્ટેશને લઇ જવાની ધમકી આપી નવ હજારનો તોડ કરીને ે નાસી ગયો હતો. તેની કાર પર પોલીસ લખેલી પ્લેટ પણ હતી અને તેણે સાદો ડ્રેસ પહેર્યો હતો.સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે કારનો નંબર મેળવ્યો હતો અને થોડા જ કલાકોમાં સસ્પેન્ડ કરાયેલ પોલીસકર્મીની ધરપકડ કરી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.