તપાસ:સમાજવિદ્યાની નોટ લઈ આવું છું કહી કાપોદ્રાનો ધો.9નો છાત્ર ગુમ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટબુકમાં લેશન ન કર્યું હોવાથી પાછો ન આવ્યાની ચર્ચા
  • મહિના અગાઉ પણ સગીર વિદ્યાર્થી ઘરેથી ચાલી ગયો હતો

કાપોદ્રા લક્ષ્મણનગર પાસે માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા 14 વર્ષના વિદ્યાર્થીએ શિક્ષકને કહ્યું કે સર હું ઘરેથી સમાજવિદ્યાની નોટ લઈને આવું છું, એમ કહીને જતો રહ્યો છે. સાંજે સ્કૂલેથી વિદ્યાર્થી ઘરે ન આવતા પરિજનોએ સ્કૂલમાં અને મિત્રો તેમજ સંબંધીઓને ત્યાં તપાસ કરી છતાં કોઈ વાવડ મળ્યા ન હતા. આથી પરિવારે પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

કાપોદ્રા પોલીસે ટીમો બનાવી સીસીટીવી આધારે બાળકનું પગેરૂ શોધવા કવાયત શરૂ કરી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, મહિના પહેલા આ વિદ્યાર્થી ઘરેથી ચાલી ગયો હતો અને બીજા દિવસે સલામત મળી આવ્યો હતો. કાપોદ્રાની સ્કૂલમાં ધો.9માં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતો 14 વર્ષનો વિદ્યાર્થી 15મીએ સવારે ઘરેથી સ્કૂલે ગયો હતો. સ્કૂલેથી તે સમાજવિદ્યાની નોટ લેવા ઘરે જવાનું કહી નીકળી ગયો હતો.

પછી વિદ્યાર્થી ઘરે જવાને બદલે મિત્રને ત્યાં નોટ લેવા ગયો હતો. મિત્રની સમાજવિદ્યાની નોટબુક વિદ્યાર્થીએ માંગી હતી. જોકે, મિત્રએ નોટબુક આપવાની ના પાડી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થી સ્કૂલમાંથી નીકળતો દેખાય છે અને પછી મોડીસાંજે સ્કૂલની નજીકના ગલ્લા પર દેખાયો હતો. નોટબુકમાં લેશન ન કર્યું હોવાથી પાછો ન આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...