રિંગરોડ ખાતે આવેલી ઇન્ડિયા ટેક્સટાઇલ માર્કેટમાં સોમવારે મળસ્કે બીજા માળે એક દુકાનમાં આગ ભભૂકી ઊઠી હતી. બંધ દુકાનમાંથી ધુમાડો નીકળતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અન્ય દુકાનોમાં આગ પ્રસરે તે પહેલાં આગ પર કાબુ મેળવી લીધો હતો.
રિંગરોડ ખાતે આવેલી ઇન્ડિયા ટેક્સટાઇલ માર્કેટમાં બીજા માળે એક કાપડની દુકાનમાં સોમવારે મળસ્કે 3.30 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટસર્કિટના કારણે આગ લાગતા બંધ દુકાનમાંથી ધુમાડો નીકળતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતા ફાયર ઓફિસર તરૂણ ગઢવી અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ અન્ય દુકાનોમાં પ્રસરે તે પહેલા જ ફાયરના લાશ્કરો બીએસએફ માસ્ક પહેરી દુકાનમાં પ્રવેશ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં દુકાનમાં મુકેલો કાપડનો જથ્થો અને ફર્નિચર સહિતસામાન બળી ગયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.
લિંબાયતમાં પાર્ક કરેલા બે વાહનો ભડકે બળ્યા
લિંબાયતના રતન ચોક પાસે આવેલા અભિષેક એપાર્ટમેન્ટમાં રવિવારે રાત્રે પાર્કિંગમાં પાર્ક કરેલા બે વાહનોમાં રહસ્યમય સંજોગોમાં આગ ભભૂકી ઊઠી હતી. પાર્કિંગમાં પાર્ક કરેલા એક મોપેડ અને એક બાઈક મોડી રાત્રે અચાનક ભડકે બળતા ભાગદોડ મચી ગઈ હતી. એપાર્ટમેન્ટના રહીશોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવાની સાથે ફાયરબ્રિગેડને જાણ કરતા લાશ્કરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
જોકે, ત્યા સુધીમાં રહીશોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર ઓફિસર મનોજ શુક્લાએ જણાવ્યું હતું કે, બન્ને વાહનોમાં ભેદી સંજોગોમાં આગ લાગી હોવાથી કોઈક વ્યક્તિએ વાહનોને આગ ચાંપી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.