• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Scuffle Broke Out Between The Congress And The Police Over The Application Of Corona's Guideline To Fly The Flag At The BJP's Get together In Surat.

રજૂઆત કરતાં ઘર્ષણ:સુરતમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યાનું આવેદનપત્ર આપતાં કોંગીજનો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી સર્જાઈ

સુરત3 દિવસ પહેલા
પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ક્લેક્ટર કચેરીમાં માથાકૂટ સર્જાઈ હતી.
  • કોંગ્રેસ નેતાએ કહ્યું-"અધિકારીઓના ભાજપ ભક્તિથી અમને દુઃખ,પાટીલ સામે કાયદેસરના પગલાં લેવાવા જોઇએ"

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્નેહમિલન સમારોહ રાખવામાં આવ્યો હતો.કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને કાયદેસરના પગલા લેવા માટે માગણી કરવામાં આવી હતી.રાજ્ય સરકારના નીતિ-નિયમ મુજબ 400 કરતા વધારે વ્યક્તિઓ એકત્રિત થવા ન જોઇએ. એ પ્રકારની માર્ગદર્શિકા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે આવા કોઈ પણ નિયમો લાગુ પડતા નથી એ ગઇકાલના કાર્યક્રમ પરથી સ્પષ્ટ થાય છે. ભાજપના નેતાઓ સતત હજારો લોકો હાજર રહેશે તેવા નિવેદનો આપી રહ્યા હતા છતાં, પણ પોલીસ દ્વારા કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.આવેદનપત્ર આપતાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ક્લેક્ટર કચેરીએ ધક્કામુક્કી સર્જાઈ હતી.

તંત્ર દ્વારા દ્વૈષ પૂર્વક વ્યવહાર કરાતો હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા હતાં.
તંત્ર દ્વારા દ્વૈષ પૂર્વક વ્યવહાર કરાતો હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા હતાં.

તંત્ર મૂક પ્રેક્ષક બન્યું
સ્નેહમિલન કાર્યક્રમમાં ૩૦,૦૦૦ જેટલા લોકો એકત્રિત થયા હોવા છતાં પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી. તેમજ કોર્પોરેશનના અધિકારીઓ પણ શોભાના ગાંઠિયા પુરવાર થયા હતા.સામાન્ય પ્રજા સાથે અધિકારીઓનો કોરોના ગાઈડ લાઈન પાલન કરાવવા માટેનો જે વ્યવહાર હોય છે. તે ખરેખર ખૂબ જ દુઃખદ લાગે છે. કોરોના ગાઈડ લાઈન માત્ર સામાન્ય પ્રજા અને નાના વેપારીઓને હેરાન કરવા માટે તૈયાર કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

પરમીશનથી વધુ લોકોએ જવાનું કહેતા રોકવામાં આવ્યાં હતાં.
પરમીશનથી વધુ લોકોએ જવાનું કહેતા રોકવામાં આવ્યાં હતાં.

મંજૂરી ન અપાઈ એટલે માથાકૂટ થઈ
સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખ અને નૈષધ દેસાઈએ જણાવ્યું કે, અમે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ તેમજ અન્ય નેતાઓની સામે કાયદેસરના પગલાં લેવા માટે કલેકટરને આવેદનપત્ર આપવા માટે ગયા હતા. અમે માત્ર 15 લોકો કલેકટરને આવેદનપત્ર આપવા માટે ઉપર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અધિકારીઓએ માત્ર પાંચ લોકોને જવા માટે મંજૂરી આપવાનો હઠા આગ્રહ રાખ્યો હતો. અમે જ્યારે અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે અધિકારીઓએ જિલ્લા સેવા સદનનો ગેટ બંધ કરી દીધો હતો. અધિકારીઓ દ્વારા આજે ભાજપની ભક્તિ કરવામાં આવી રહી છે તે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. સી આર પાટીલ ની સામે કાયદેસરના પગલાં લેવાવા જોઇએ. કારણ કે સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું અને કોર્ટમાં પણ જઈશું.