આજરોજ પુણા કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને લઈને કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં પુણા વિસ્તારની શાળાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટને લઈને કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કરી વિરોધ નોંધાવાયો હતો.
સહી ઝુંબેશ કરી વિરોધ
પુણાગામ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 340 ખાતે સહી ઝુંબેશ રાખવામાં આવી હતી. શાસક અને વિપક્ષ બંને દ્વારા સારા શિક્ષણની વાતો કરવામાં આવે છે પરંતુ શિક્ષણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્યો દ્વારા સહી ઝુંબેશ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ ન મળતો હોવાનો આક્ષેપ
હાલ સમગ્ર સુરત શહેરમાં આવેલી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યારે પુણાગામ ખાતે આવેલ શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી એક આચાર્ય સહિત ફક્ત ચાર જ શિક્ષકો હોય જેના કારણે શાળામાં અભ્યાસ કરતા 400થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ સમયસર મળતું નથી. હાલ આ શાળામાં નવ શિક્ષકોની ઘટ છે. જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે.
વાલીઓને સાથે રાખ્યા આંદોલન કરાશે : કોંગ્રેસ
કોંગ્રેસ પક્ષ દ્વારા આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાન રાખી તાત્કાલિક ધોરણે શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે આજરોજ આ સહી ઝુંબેશનો કાર્યક્રમ કરવામાં આવેલ આ સહીઓ સાથે આ જ વિસ્તારના ધારાસભ્ય અને હાલમાં નિમણૂંક પામેલા શિક્ષણ મંત્રી તેમજ કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને જો શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા વાલીઓને સાથે રાખી આક્રમક આંદોલન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.