જહાંગીરપુરામાં 100 કલબ એમ્પાયરમાં દુકાનમાં સામાન મુકવા મુદ્દે બે વ્યક્તિ વચ્ચે બોલાચાલી થતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર આવી મામલો સંભાળવાનો પ્રયાસ કરતા 2 વ્યકિતએ પોલીસ કર્મી સાથે જ માથાકૂટ કરી કહ્યું કે, તુ કોણ મને કહેવાવાળો, મારી દુકાને કેમ આવ્યો? કહીને બે જણાએ પોલીસ કર્મીને માર માર્યો હતો. જેથી બંને વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જહાંગીરપુરાના નંદનવન રો હાઉસમાં રહેતા કેતન હસમુખ પટેલ(ઉ.વ.42) અને જયજલારામ સોસાયટીમાં રહેતા અંકુર જનક પટેલ (ઉ.વ.36)એ ભરતભાઈ વિરાણીની જહાંગીરપુરામાં 100 ક્લબ એમ્પાયરમાં આવેલી દુકાનમાં પોતાની હોટલનો સામાન મુક્યો હતો.
જે સામાન બાબતે તકરાર થતા ભરતભાઈએ 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરી હતી. જેથી જહાંગીરપુરા પોલીસ મથકના કો. ધવલ દેવજી ભાઈ પીસીઆર વાનમાં આવ્યા હતા. જેમણે ભરતભાઈ અને કેતન પટેલને વિવાદનું કારણ પૂછતા કેતને કહ્યું કે, તું કોણ મને કહેવા વાળો, મારી દુકાને કેમ આવ્યો કહીને ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેમાં કો. ધવલને ઈજા થઈ હતી. જેથી બાકીનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને વધુ ઈજા થાય તે પહેલા છોડાવી લીધો હતો. બાદમાં આરોપી કેતન અને તેને મદદગારી કરનાર અંકુર બંને વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટ અને ધમકી બાબતેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.