ક્રાઈમ:બિટકોઈનથી ચર્ચામાં આવેલા શૈલેષ ભટ્ટને પોલીસ દિલ્હીથી સુરત લાવી, કોરોના ટેસ્ટ બાદ ધરપકડ

સુરતએક વર્ષ પહેલા
દિલ્હીથી લવાયેલો શૈલેષ ભટ્ટ - Divya Bhaskar
દિલ્હીથી લવાયેલો શૈલેષ ભટ્ટ
  • શૈલેષ ભટ્ટે અનિરૂધ્ધસિંહ જાડેજાને હવાલો આપ્યો હતો

બિટકોઇન ફેઇમ બિલ્ડર શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ બાદ સુરત લવાયો હતો. કોવિડ ટેસ્ટના પરિણામ બાદ તેની ધરપકડ કરાશે.શૈલેષ ભટ્ટની ગેરકાયદે ફ્લેટ પર કબ્જો જમાવવા માટે હવાલો આપવાના કેસમાં પોલીસે અટકાયત કરી છે. દિલ્હીથી શૈલેષ ભટ્ટની અટકાયત કરી વાયા અમદાવાદ બાદ સુરત લાવવામાં આવ્યો છે.

કેસમાં કામરેજ પોલીસ ઉપર પક્ષપાત રાખવાનો આરોપ છે
ભૂ માફિયા-પોલીસ વચ્ચેના આ ખેલમાં કેટલીક ચોંકાવનારી માહિતી મળી છે. સરથાણામાં બિલ્ડર રાજુ દેસાઇને જે વ્યક્તિના બંગલા ઉપર ધમકી આપવામાં આવી હતી તે ધવલ જૈનના પીપલોદ ખાતેના બંગલા ઉપર ભૂતકાળમાં શહેર પોલીસના અધિકારીઓ આશરો લેતા હતા. આ બાબતે એક પીઆઇએ આશરો લીધો ન હોવાનું જણાવ્યું તો બીજા જી.એ. પટેલે કહ્યું કે હું તો માત્ર 2-4 દિવસ જ રોકાયો હતો. આ કેસમાં શરૂઆતથી જ કામરેજ પોલીસ ઉપર પક્ષપાત રાખવાનો આરોપ છે અને હવે સુરત શહેર પોલીસે ગુનો નોંધ્યો છે તો કેટલાક અધિકારીઓ પણ આરોપીઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓના લાભાર્થી હોવાનું જણાયું છે. આ કેસ હતો: સરથાણામાં રાજુ દેસાઇ પાસે 33 કરોડની ઉઘરાણી કરવા શૈલેષ ભટ્ટ, અનિરુદ્ધ જાડેજા સહિતના આરોપીઓએ ધમકી આપી હતી.

અધિકારીઓને જમાડવા રસોઇયો પણ રાખ્યો હતો
જાણવા મળ્યું છે કે, ધવલ જૈન પોલીસ અધિકારીઓને જરૂર મુજબની સુવિધાઓ પૂરી પાડીને પોલીસ સ્ટેશનના લાઇઝનિંગના કામો કરે છે. અધિકારીઓને સાહેબ-સાહેબ કહીને કામો કરાવવામાં માહિર પોલીસ સંબંધનો ભરપૂર ઉપયોગ કરતો હોવાનું પણ જગજાહેર છે. પીપલોદમાં બિગ-બઝારની પાછળ તેના બંગલામાં પોલીસ અધિકારીઓને જમાડવા માટે રસોઇયો પણ રાખ્યો હતો. તેના મોબાઇલના કોલ ડિટેઇલ રેકોર્ડ (સીડીઆર) કાઢવામાં આવે તો તેના કયા-કયા પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક છે તે જાહેર થઇ જશે. આ બાબતે તેનો પક્ષ જાણવા સંપર્ક કરાતા ધવલનો ફોન લાગ્યો ન હતો.

અનિરુદ્ધસિંહના વધુ 3 માણસોની અટકાયત
ક્રાઈમ બ્રાંચની વિવિધ ટીમો અનિરુદ્ધસિંહના માણસોને પકડા માટે સૌરાષ્ટ્ર મોકલી હતી. તેમાંથી બે ટીમોને જુનાગઢથી ત્રણ માણસોની અટકાયત કરી હોવાની માહિતી મળી છે.તેમાં એક અતાઉલ્લાખાન, બીજો શબ્બીર અને અન્ય ત્રીજો એક આરોપી હોવાની માહિતી મળી છે.ત્રણેયને લઈને ટીમ સુરત આવવવા નીકળી ગઈ છે. જોકે ક્રાઈમ બ્રાંચના એસીપી આરઆર સરવૈયાએ કોઈની પણ અટકાયની વાતનો ઇનકાર કર્યો છે. અતાઉલ્લાખાન તો અનિરૂદ્ધસિંહનો ખાસ માણસ હોવાનું કહેવાય છે.

શૈલેષ ભટ્ટ કેટલો સાચો?
શૈલેષે ધરપકડ પહેલા ફરતા કરેલા વીડિયોમાં કહ્યું હતું કે રાજુ દેસાઈનો હું પાર્ટનર છું. તેને રૂપિયા આપ્યા હતા. જમીનનું લખાણ છે. મારો હક્ક ન આપવો પડે તે માટે રાજુએ પોલીસ સાથે મળીને ફરિયાદ નોંધાવી છે.

રાજુનો જવાબ : પુરાવા હતા તો કોર્ટમાં કેમ નહીં ગયો?
રાજુએ જણાવ્યું હતું કે શૈલેષ ભટ્ટ પાસે પુરાવા હતા તો તેણે પોલીસ અથવા કોર્ટમાં ફરિયાદ કેમ ન કરી?
પહેલા ચાર કરોડની સામે 6 કરોડ ચૂકવી દીધા છતા શૈલેષે મને વંચાવ્યા વગર એક કાગળપર સહી કરાવી લીધી હતી. ત્યાર બાદ 25 ફ્લેટ રોકડેથી ખરીદ્યા છે એવું લખાવ્યું હતું.

પોલીસનો જવાબ : શૈલેષે ફરિયાદ આપી જ નથી
સુરત જિલ્લા પોલીસના એસડીપીઓ સી.એમ. જાડેજાએ જણાવ્યું કે, શૈલેષ ભટ્ટે કામરેજ પોલીસમાં અરજી આપવાની વાત કરી છે તે ખોટી છે. તેણે અમને કોઇ અરજી આપી નથી. રાજુ દેસાઈએ અરજી આપી ત્યારે ખબર ન હતી કે હદ્દ સિટીની છે.

અન્ય સમાચારો પણ છે...