સુરતના વાતાવરણમાં છેલ્લા થોડા દિવસોથી આવેલા પરિવર્તન બાદ આજે આગાહી મુજબ કમોસમી વરસાદ શરૂ થયો હતો. બપોર બાદ વીજળીના પ્રચંડ કડાકાભડાકા સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું. એમાં અમરોલીના કોસાડ ગામ ખાતે તાડના ઝાડ પર વીજળી પડવાની ઘટના બની હતી. ઝાડ પર વીજળી પડતાં તાડનું ઝાડ ઊભેઊભું ભડ ભડ સળગી ઊઠ્યું હતું. એને લઇ સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું, સાથે ડરના માર્યા ઘરની બહાર લોકો આવી ગયા હતા. ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરાતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
તાડના ઝાડ પર વીજળી પડતાં જ સળગી ઊઠ્યું
સુરતમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીજળીના તડાકાભડાકા અને ગાજવીજ સાથે શહેરના અનેક વસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન અમરોલી કોસાડ ગામ સ્થિત ટાંકી ફળિયા પાસે તાડના ઝાડ પર વીજળી પડવાની ઘટના બની હતી, જેને લઈ તાડનું ઝાડ હવામાં જ ભડ ભડ સળગી ઊઠ્યું હતું.
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
વીજળીના કડાકાભડાકા બાદ અચાનક ઝાડમાં આગ લાગી હતી, જેને લઈને ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા ઝાડ પર લાગેલી આજની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
કુતૂહલ સાથે વીડિયો ઉતાર્યો
તાડનું ઝાડ હવામાં ભડભડ સળગી રહ્યું હતું, જેને લઇ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. આસપાસ રહેતા સ્થાનિકો પણ ઘરની બહાર નીકળી આવ્યા હતા. સળગતા ઝાડનો વીડિયો પોતાના મોબાઈલમાં લઇ રહ્યા હતા. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.
ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
ફાયર ઓફિસર પ્રિન્તેશ પટેલે જણાવ્યું હતું કે બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં તાડના ઝાડ પર આગ લાગી હતી.અમે ઘટનાસ્થળે જઈને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘરની પાછળ આવેલા ખેતર જેવી જગ્યામાં ઝાડ હતું. એની આસપાસ કોઈ વીજ તાર હતા નહિ તેમજ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ત્યાં વીજળી પડવાથી ઝાડમાં આગ લાગી હતી. જોકે અમારી ટીમે ઘટનાસ્થળે પહોચી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.