સુરત શહેરને છેવાડે આવેલા કામરેજ પાસે હાઇવે પર લગભગ 2 કિમીના પટ્ટામાં અસંખ્ય ખાડા સર્જાઈ ગયા છે. સામાન્ય વરસાદમાં જ ખાડાનું સામ્રાજ્ય સર્જાઈ જતાં તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ફ્લોટિંગ ટ્રાફિક જોવા મળી રહ્યો છે, જેને કારણે કામરેજ ચોકડીથી કડોદરા સુધીનું 11 કિમીનું અતર કાપવામાં જ પિક અવર્સમાં 2 કલાક જેટલો સમય નીકળી જાય છે. ટ્રાફિકમાં સૂલ બસ, એમ્બ્યુલન્સ વગેરે પણ ફસાતી જોવા મળી રહી છે.
આ વિસ્તારમાં ઘણી ઇન્ટરનેશનલ સ્કૂલો આવેલી છે, જેમાં કેટલીકે સ્કૂલનો સમય અડધો કલાક વહેલો કર્યો છે તો કેટલીક સ્કૂલ અડધો કલાક વહેલા છોડી રહી છે. આ ઉપરાંત નોકરિયાત વર્ગ પણ ઘરેથી એકાદ કલાક વહેલા નીકળી રહ્યા છે. વળી, ઉંભેળમાં ઓવર બ્રિજનું કામ ચાલે છે. તંત્રએ સર્વિસ રોડ તો બનાવ્યો છે પણ છેલ્લા 1 મહિનાથી બંને બાજુના 2 કિલોમીટરના સર્વિસ રોડ પર અસંખ્ય ખાડા પડી ગયા છે. જેથી કામરેજથી પલસાણા સુધી સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.
કડોદરા ચાર રસ્તા પર બે હાઇવે ભેગા થતા હોવાથી મુશ્કેલી વધી
કડોદરા ચાર રસ્તા ખાતે દેશના બે મહત્વના હાઇવે ભેગા મળે છે. જેના કારણે અહીં વાહન વ્યવહાર સતત ચાલુ જ રહે છે. શાળા હોય કે નોકરિયાત તેઓએ દિવસમાં એક વાર કડોદરા ચાર રસ્તા અવશ્ય ક્રોસ કરવું પડે છે. કલાકોના ટ્રાફિક જામથી ત્રસ્ત અને પ્રભાવિત થઈ કડોદરા આસપાસની કેટલાક શાળાઓએ પોતાનું ટાઈમ ટેબલ બદલ્યું છે, તો નોકરિયાત વર્ગો 1 કલાક વહેલા ઘરેથી નીકળી રહ્યા છે.
દર અડધો કલાકે વાહનો ચાલુ બંધ કરવાની નોબત
કડોદરા-કામરેજ વચ્ચે એવો ટ્રાફિક સર્જાય છે કે વાહનચાલકોએઅડધો અડધો કલાકે કલાકે વાહનનો સેલ મારવો પડે છે. લોકો હવે કડોદરા ચાર રસ્તા બાયપાસ કરી રહ્યા છે.
સ્કૂલ બસ-વાન ટ્રાફિકમાં ફસાઈ જતી હોવાની ફરિયાદ મળી હતી
કડોદરાની લિટલ ફ્લાવર્સ સ્કૂલના આચાર્યે જણાવ્યું કે, મોટાભાગના વિદ્યાર્થી કડોદરા આસપાસના છે. સ્કૂલ બસ ટ્રાફિકમાં અટવાતાં અમે હાલમાં 25 મિનિટ વહેલી રજા આપી રહ્યા છે.
ઉંભેળ પાસે ઓવરબ્રિજનું કામ ચાલે છે. સર્વિસ રોડ નાનો હોવાથી તકલીફ પડી રહી છે તથા સમારકામની પણ જરૂર છે. બેઠકમાં હાઈવે ઓથોરિટીને તાત્કાલિક મરામત કરવા માટે જાણ કરી દીધી છે. - પૂર્ણેશ મોદી, માર્ગ અને મકાન મંત્રી, ગુજરાત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.