સુવિધા:ભટાર, સિટીલાઇટમાં પાણીનો ફોર્સ વધારવા નવી લાઇન નંખાશે

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી સમિતિની બેઠકમાં 9.27 કરોડના અંદાજ મંજૂર

બુધવારે પાલિકામાં પાણી સમિતિની બેઠકમાં ભટાર અને સિટીલાઇટમાં પાણી પ્રેશરની ફરિયાદના નિરાકરણ માટે પાણીની નવી લાઇન નાંખી જુની લાઇન સાથે જોડાણ કરવાના કામના અંદાજને મંજૂરી અપાઈ હતી. એજન્ડા પરના 9.27 કરોડના વિવિધ કામોના અંદાજ મંજૂર કરાયા હતા. પાણી સમિતિના ચેરમેન રાકેશ માળીએ કહ્યું, ભટાર વિસ્તાર જીઓગ્રાફિકલ રીતે ઉંચો હોય ભટારની સંત તુકારામ, મંગલમ પાર્ક, વનિતા પાર્ક, પુનમનગર, ચાણ્કયપુરી, દીનબંધુ, રવિશંકર સંકુલ, રવિદર્શન સોસાયટી, સુરભિ એપાર્ટમેન્ટમાં પાણી ઓછા પ્રેશરથી આવતું હોવાની ફરિયાદો આવતી હતી.

અહીં ખટોદરા જળવિતરણ મથકથી પાણી પુરવઠો અપાય છે. પાણીની સમસ્યાના નિરાકરણ માટે ખટોદરાથી ભટાર સુધી 600 મીમી વ્યાસની નળિકાને ભટાર ચાર રસ્તાથી વિવેકાનંદ ગાર્ડન સુધી લંબાવાશે. અઠવા ઝોનમાં સતકેવલ સોસાયટી, આરનવ એપાર્ટમેન્ટ, આરજવ એપાર્ટમેન્ટ, મયુર સોસાયટી તથા યુ.પી નગર સોસાયટી આસપાસના વિસ્તારમાં પાણી ઓછા પ્રેશરથી મળતું હોવાની ફરિયાદના નિરાકરણ માટે એસવીએનઆઇટી કોલેજમાંથી નવી 2.5 કિમી લંબાઇમાં પાણીની નળિકા નાંખી ગોરવ પથ પર નાંખવામાં આવેલી 400 મીમી વ્યાસના હયાત પાણી પુરવઠાની નળિકા સાથે જોડાણ કરાશે. કતારગામના નવા ઇન્ટેકવેલ ખાતે રો વોટર લેવાની ક્ષમતામાં વધારો કરવા 2.20 કરોડના ખર્ચે નવા પંપ સેટ તથા તેને સંલગ્ન કામોના અંદાજને મંજૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...