સગીરા પર ગેંગરેપ:સુરતમાં પાડોશી મહિલાએ જ કિશોરીને બે યુવકના હવાલે કરી દીધી, અજાણી જગ્યાએ લઈ જઈ સામુહિક દુષ્કર્મ આચર્યું

સુરત9 દિવસ પહેલા
  • અગાઉ કેફી પીણું પીવડાવી પણ પાડોશી મહિલાના મિત્રે દુષ્કર્મ આચર્યું હતું

સુરતના વરાછાની એક કિશોરી પર સામુહિક દુષ્કર્મની ફરિયાદને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ વતન મધ્યપ્રદેશ પહોંચ્યા બાદ સમગ્ર ઘટના અંગે મુરૈના જિલ્લાના સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને પગલે હવે વરાછા પોલીસ દ્વારા સામુહિક દુષ્કર્મ પ્રકરણમાં સંડોવાયેલ એક મહિલા સહિત બે નરાધમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

પહેલાં બેભાન કરી દુષ્કર્મ આચર્યું
છ મહિના પૂર્વે વરાછા ખાતે આવેલ કમલ પાર્ક સોસાયટીમાં પ્રથા (નામ બદલ્યું છે) નામની 15 વર્ષીય કિશોરી પોતાના પરિવારજનો સાથે રહેતી હતી. પડોશમાં રહેતી મીના રાજપુત નામની મહિલા સાથે સંપર્કમાં આવી હતી. મીના અવાર-નવાર પ્રથાના ઘરે અવર જવર કરતી હતી. ચાર મહિના પહેલા મીના પોતાના એક પુરૂષ મિત્ર સાથે પ્રથાના ઘરે પહોંચી હતી અને પ્રથાને કેફી પીણું પીવડાવતાં તે બેભાન થઈ ગઈ હતી. બેભાન થયા બાદ મીના રાજપુત સાથે આવેલા તેના મિત્રે પ્રથા પર દુષ્કર્મ આચર્યું હતું.

પિતાને મારી નાખવાની ધમકી આપી દુષ્કૃત્ય
મીના રાજપુત દ્વારા વધુ એક વખત પ્રથાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને બહાર ફરવા લઈ જવા માટે દબાણ કર્યું હતું. જોકે, પ્રથાએ ના કહેતા મીના રાજપુત દ્વારા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાછૂટકે આરોપી મીરા રાજપુત પ્રથાને અજાણ્યા સ્થળે લઈ ગઈ હતી અને ત્યાં વધુ એક વખત બે યુવકો દ્વારા પ્રથા પર પાશવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

વતનમાં પરિવારને જાણ કરતા આભ તૂટી પડ્યું
મીના રાજપુત પર ભરોસો મુકવા છતાં વધુ એક વખત પોતાનું શોષણ થવાને કારણે પ્રથા ડઘાઈ ગઈ હતી અને આ સમગ્ર પ્રકરણ અંગે કોઈને જાણ કર્યા વિના વતન મધ્યપ્રદેશ રવાના થઈ ગઈ હતી. જ્યાં પહોંચ્યા બાદ પરિવારજનોને સમગ્ર ઘટના અંગેની જાણ કરતાં તેઓના માથે આભ તૂટી પડ્યું હતું. એક નહીં બબ્બે વખત દુષ્કર્મનો ભોગ બનતા પ્રથા દ્વારા અંતે મક્કમ મન કરીને મધ્ય પ્રદેશમાં આવેલ મુરૈના જિલ્લાના જૌરાના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મીના રાજપુત સહિત ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પાડોશી મહિલા ઘર ખાલી કરી ફરાર
મધ્યપ્રદેશમાં સામુહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ થયા બાદ ઝીરો નંબરથી ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ હતી. વરાછા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે. વરાછામાં રહેતી મીના રાજેન્દ્ર રાજપુત અને તેના સમાજના જ અન્ય બે યુવકોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. વરાછા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મીના રાજપુત પોતાના પતિ સાથે ભાડેથી રહેતી હતી અને હાલ તેણીની મકાન ખાલી કરીને નાસી છૂટી હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે અન્ય બે નરાધમની ધરપકડ માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે.