માસુમનું કરુણ મોત:સુરતમાં માતા દીકરાને ખભે ઉપાડી હોસ્પિટલ પહોંચી ત્યાં મોત, 6 કલાકે જાણ થતા દોડી આવેલા પિતાનું હૈયાફાટ રુદન

સુરતએક મહિનો પહેલા
સરત સિવિલમાં માતાનું હૈયાફાટ રુદન.
  • ઝાડા-ઉલટીમાં સપડાયેલા 5 વર્ષના માસુમનું મોત નીપજ્યું
  • પરિવારના હૈયાફાટ રુદનથી હાજર તમામની આંખો છલકાય

સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર માસુમ દીકરાના મોતને લઈ ચોધાર આંસુએ રડી રહેલી માતાને એના પતિના કામકાજ, રહેઠાણ અને મોબાઈલ નંબરથી અજાણ હોવાને કારણે 6 કલાક સુધી હેરાન થવાનો વારો આવ્યો હતો. ઝાડા-ઉલટીમાં સપડાયેલા 5 વર્ષના માસુમ પુત્ર ને ખભે ઉપાડી માતા પાંડેસરાથી સિટી બસમાં સુરત સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી હતી. દોઢ મહિના પહેલા જ બિહારથી સુરત આવેલી મહિલા પતિ કામે ચાલી ગયા બાદ બીમાર પુત્રની તબિયત બગડતા સિવિલ લઈ આવી હતી. જોકે પોલીસ અને એનજીઓની મદદથી પિતા સુધી પહોંચેલા લોકોના મોઢે પુત્રનું નિધન થયું હોવાનું સાંભળી પિતાનું હૈયાફાટ રુદન જોઈ પોસ્ટમોર્ટમ રૂમ બહાર તમામની આંખ છલકાય ગઈ હતી.

સિવિલ હોસ્પિટલમાં માસુમને મૃત જાહેર કરાયો
રાણી રામ (પીડિત માતા) એ જણાવ્યું હતું કે હું શહેરમાં નવી છું પણ મારો દીકરો બીમાર હતો અને તેની સારવાર જરૂરી હતી. જેથી ઘરેથી નીકળી અને એક નજીકના ડોક્ટરે સિવિલ લઈ જવા કહ્યું હતું. રીક્ષા મળી નહીં એટલે બસમાં બેસી ગઈ અને સિવિલ પહોંચી ગઈ હતી. ડોક્ટરોએ તો દીકરાને મૃત જાહેર કરી દીધો હતો. મારા પતિ સુધી કોઈ સંદેશો આપો મને તો ઘર અને પતિના નંબરની પણ જાણ નથી.

દીકરાની સારવાર માટે માતા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.
દીકરાની સારવાર માટે માતા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.

સૂઝબૂઝ વગર દીકરાને ખભે ઉપાડી હોસ્પિટલ પહોંચી
વધુમાં જણાવ્યું હતું કે તેઓ બિહારના રહેવાસી છે. ચાર સંતાનમાં ત્રણ છોકરા છે એને એકની એક દીકરી છે. બે પુત્ર અને એક પુત્રીને લઈ દોઢ મહિના પહેલા જ સુરત પતિ પાસે આવી હતી. વહેલી સવારે મળસ્કે છોકરાને અચાનક ઝાડ-ઉલટી શરૂ થઈ જતા ઘર ઘથ્થુ સારવાર કરી હતી. સવારે પતિ કામે ગયા બાદ દીકરાને લઈ નજીકના ડોક્ટર પાસે જતા સિવિલ લઈ જવું પડશે એમ જણાવતા સૂઝબૂઝ વગર દીકરાને ખભે ઉપાડી સિટી બસની મદદથી સિવિલ આવી ગઈ હતી.

દીકરાના મોતની પિતાને જાણ થતા રડી પડ્યા.
દીકરાના મોતની પિતાને જાણ થતા રડી પડ્યા.

મહિલા પતિ અને પોતાના ઘર અંગે પણ જાણતી ન હતી
હેમાંશુ સુરતી (વિદ્યાર્થી) એ જણાવ્યું હતું કે હું વડોદ ગામથી સિટી બસમાં બેઠો હતો. ત્યારબાદ મજુરાગેટ આવતા એક મહિલા હાથમાં માસુમ બાળકને લઈ રડી રહી હતી. સિવિલ લે જાઓ એમ કહેતા હું એને મજુરાગેટ ઉતારી સિવિલ લઈ આવ્યો હતો. જોકે ડોક્ટરોએ માસુમ બાળકને મૃત જાહેર કરતા માતા હોંશ ગુમાવી બેઠી હતી. એ બરાબર હિન્દી પણ બોલી શકતી ન હતી. પતિ અને રહેણાંક બાબતે પૂછતાં કઈ પણ જાણતી ન હોવાનું જણાવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. પાંડેસરા પોલીસ પણ ઓવર ટાઈમ કરી એ મહિલાની મદદ કરવા દોડમાં સામેલ થઈ ગયા હતા. એનજીઓની મદદ લીધી છતા કોઈ મેળ નહીં પડ્યો, છેવટે મહિલાના મોબાઈલ પરથી બિહાર સગાઓને અનેક ફોન કર્યા ત્યારે એના પતિ સુધી પહોંચ્યા હતા.

દીકરાના મોતથી માતા સૂઝબૂઝ ખોઈ બેસી હતી.
દીકરાના મોતથી માતા સૂઝબૂઝ ખોઈ બેસી હતી.

6 કલાક બાદ મને મારા દીકરાના નિધનની ખબર પડી
સુનિલ રામ (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે જરીના કારખાનામાં કામ કરૂં છું. સવારે નવ વાગ્યે નોકરી પર જતો રહ્યો હતો. પત્ની અને બાળકો હાલ જ વતનથી સુરત આવ્યા છે. સુરતના વિસ્તારથી અજાણ છે. ખબર નહીં હતું કે આવું થશે, 6 કલાક મારી પત્નીએ દીકરાના મોતને લઈ કેટલું સહન કર્યું હશે એ સમજી શકું છું, મારી ભૂલને કારણે 6 કલાક બાદ મને મારા દીકરાના નિધનની ખબર પડી એ દુઃખદ ઘટના છે. પરિવારની દેખરેખ પણ મારી જ જવાબદારી છે.

અન્ય સમાચારો પણ છે...