કોર્ટનો નિર્ણય:માંડવીની કિશોરી પર બળાત્કાર ગુજારનાર પરિણીત આરોપીને 14 વર્ષની કેદની સજા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર ધાકધમકી આપી બળાત્કાર કર્યા બાદ કિશોરી માતા બની હતી

માંડવીમાં બે વર્ષ અગાઉ બળાત્કારના ગુનામાં સંડોવાયેલાં 24 વર્ષીય પરિણીત આરોપીને કોર્ટે 14 વર્ષની સજા, રૂપિયા દસ હજાર દંડ કરતો હુકમ કર્યો હતો. વારંવારના બળાત્કાર બાદ 16 વર્ષીય કિશોરી કુંવારી માતા બની હતી અને પુત્રને જન્મ આપ્યો હતો.

સરકાર તરફે એપીપી રાજેશ ડોબરિયાએ દલીલ કરી હતી આરોપીના કૃત્યના લીધે કિશોરીનું જીવન અંધકારમય થઈ ગયુ છે, આરોપીને સખત સજા થવી જોઇએ. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યુ હતુ કે, કુમળી વયની બાળાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હોય તો તેના શરીર તથા આત્મા પર ગંભીર અસર થાય છે. કોર્ટે પીડિતાને એક લાખનું વળતર આપવાનો ઉલ્લેખ પણ હુકમમાં કર્યો હતો.

કેસની વિગત મુજબ, માંડવીમાં રહેતા આરોપી નૈતિક ગામીતે ઘર નજીક જ રહેતી 16 વર્ષીય કિશોરીની એકલતાનો લાભ લઇ તેના ઘરમાં જ અને બાદમાં ધમકીઓ આપીને ખેતરમાં અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં તેને આઠ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. પીડિતાએ આ દરમિયાન સમગ્ર પ્રકરણની જાણ માતાને કરતાં મામલો પોલીસ મથક પહોંચ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બચાવ પક્ષે એડવોકેટ એલ.ટી. સુખડવાલાએ દલીલો કરી હતી. જ્યારે સરકાર પક્ષની મજબૂત દલીલો બાદ કોર્ટે આરોપીને 14 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...