સુરતમાં બે સંતાનની માતાનું પાંચ વર્ષ સુધી યૌન શોષણ કરનાર નાનીવેડ ગામના કોળી પટેલ સમાજના અગ્રણીની સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે. પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા અઢી મહિના અગાઉ ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસે આરોપી શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા પટેલને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પિતાના અવસાન બાદ વહીવટ કરતો હતો
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને રસોઈકામ કરતા યુવાનની 36 વર્ષની પત્ની શોભના ( નામ બદલ્યું છે ) વર્ષ 1997 માં જયારે 12 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થતા તેમના પરિવારનો સમગ્ર વહીવટ નાનીવેડ ગામ ઉપલું ફળિયુંમાં રહેતા સમાજના અગ્રણી શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા દુર્લભભાઇ પટેલે પોતાની પાસે લઈ લીધો હતો.
સ્કૂલ ફી ભરવાના રૂપિયા માગતા દુષ્કર્મ આચર્યુ
વર્ષ 2003 માં લગ્ન કરનાર અને હાલ 18 વર્ષની પુત્રી અને 14 વર્ષના પુત્રની માતા શોભનાના પતિ અને શોભનાના ભાઈએ વર્ષ 2013 માં પોતાની મિલ્કતમાં બે દુકાન બનાવી ભાડે આપી હતી.જોકે, તેના ભાડાનો વહીવટ શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા દુર્લભભાઇ પટેલ જ રાખતા હતા.વર્ષ 2015 માં ભાઈને અકસ્માતમાં ગુમાવનાર શોભનાને જૂન 2017 માં પુત્રની સ્કૂલની ફી ભરવા પૈસા જોઈતા હોય તે શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા પટેલ પાસે ગઈ ત્યારે તેમણે તેની સાથે અડપલાં કરી બાદમાં શરીર સંબંધ બાંધે તો જ પૈસા મળશે કહી દુષ્કર્મ આચર્યું હતું.
અવારનવાર યૌન શોષણ કર્યુ
અવારનવાર જુદાજુદા બહાને બોલાવી દુષ્કર્મ આચર્યા બાદ મોબાઈલમાં બિભત્સ વીડિયો બનાવી શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા પટેલે પાંચ વર્ષ સુધી યૌન શોષણ કર્યું હતું.આ અંગે શોભનાએ પતિને વાત કરતા તેમણે શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા પટેલને વાત કરતા તેમણે સમાધાન માટે દબાણ કર્યું હતું.તેથી ગત 2 ઓક્ટોબર 2022 ના રોજ શોભનાએ ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ ફરિયાદ નોંધાવી
સારવાર માટે દાખલ શોભનાને હોસ્પિટલમાંથી રજા મળતા તેણે ગત 20 ઓક્ટોબર 2022 ના રોજ આ અંગે સિંગણપોર પોલીસ મથકમાં શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સિંગણપોર પોલીસે ગતરોજ શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા દુર્ભલભાઇ પટેલ ( રહે.ઘર નં.412, ઉપલું ફળિયું, નાનીવેડ ગામ, કતારગામ, સુરત ) ની ધરપકડ કરી હતી.
બે દિવસ પહેલા બે મિત્રોનું સગીરા પર દુષ્કર્મ
સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવાર દ્વારા ઉધનામાં રહેતી અમિત સૂર્યવંશી અને કનસાડ રોડ પર ખાતે રહેતા વિકાસ મહંતો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, 14 વર્ષીય સગીરાને પ્રેમમાં ફસાવી હતી. ત્યારબાદ બંને નરાધમોએ અવારનવાર અલગ-અલગ દિવસે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ગત ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી બંને નરાધમોએ સગીરા સાથે બદકામ કર્યું હતું. જેના કારણ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આ અંગે પરિવારને જાણ થતાં પરિવારે અમિત અને વિકાસ સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
1 મહિના પહેલા 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા
સુરતના કતારગામ વિસ્તારમાંથી હચમચાવી દેતી એવી ઘટના સામે આવી હતી. સવારે સાત વર્ષીય બાળકી ગુમ થવાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયા બાદ મોડી રાત્રિએ તે જ બાળકીની રેપ બાદ હત્યા કરાયેલી લાશ પાડોશીના ઘરમાંથી જ મળી આવી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરતાં અગાઉ વાહનચોરીના ગુનામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું.
2 મહિના પહેલા બે વર્ષની બાળકી પર દુષ્કર્મ
સુરતના વેસુ વિસ્તારમાં વધુ એક બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. રોડ પર પરિવાર સાથે સૂતેલી બે વર્ષની બાળકીને પસાર થઈ રહેલ ડમ્પરચાલકે અપહરણ કરી લઈ ગયો હતો. દરમિયાન પેટ્રોલિંગ પર પસાર થતી PCRમાં મહિલા હેડ કોન્સ્ટેબલે પરિવારની મદદ કરી હતી. આરોપી ડમ્પરચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે ડમ્પરચાલક ઝડપાય એ પહેલાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.