આપઘાત:સુરતના લિંબાયતમાં સાંઈબાબા મંદિર પાછળ હાઇટેન્શન લાઇન પર એક શખસે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

14 દિવસ પહેલા
  • ફાયર વિભાગે હાઈટેન્શન લાઈન પરથી મૃતદેહને નીચે ઉતાર્યો

સુરતના લિંબાયત વિસ્તારમાં ઇસમ હાઈટેન્શન લાઈનના ટાવર પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઇ હતી. કોમલસિંગ ગીરાસે નામના ઈશ્વરનો મૃતદેહ ટાવર ઉપર લટકતો જોવા મળ્યો હતો. આસપાસથી પસાર થતા લોકોની નજર તેના ઉપર જતા ફાયર વિભાગને અને પોલીસને જાણ કરી હતી. લિંબાયતના સુભાષ નગર પ્લોટ નંબર 281 ખાતે રહેતા ઈસમની ઓળખ થઇ ગઇ હતી.

કોમલસિંગ ગીરાસે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો રહેવાસી છે. તેના મૃતદેહને નીચે ઉતાર્યા બાદ તેની ઓળખ કરતા આધાર કાર્ડ ઉપરથી તેની ઓળખ સામે આવી હતી. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ડુંભાલ ફાયર સ્ટેશનની મદદ લઈને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. લિંબાયત પોલીસ દ્વારા મૃતદેહના સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો.

કોમલસિંગ ગીરાસે આપઘાત કર્યો છે કે હત્યા થઈ છે તે અંગેની લિંબાયત પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેની ઓળખ થતાં તેની આસપાસના લોકોને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કોમલ સિંગની ઓળખ થતાની સાથે લિંબાયત પોલીસ દ્વારા તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે કોમલ સિંગ ગીરાસે પરિવારનો સંપર્ક કરતા પરિવારજનો પર જાણે વજ્રઘાત થયો હતો. કોમલ સિંગ ડિપ્રેશનમાં હતો કે આત્મહત્યા કરવા માટેના કોઈ કારણો હતા કે કેમ તે અંગેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી.