પહેલી પસંદ સુરત:મુંબઈના ડાયમંડ વેપારીઓ માટે લિવેબલ અને લવેબલ સિટી બન્યું, સુરતમાં ઘર, દુકાનો અને શોરૂમ ખરીદી રહ્યા છે

સુરત2 મહિનો પહેલા

વર્ષોથી સુરત શહેરમાં ડાયમંડ ઉદ્યોગનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. પરંતુ અન્ય કેટલીક સુવિધાના અભાવને કારણે મુંબઈ હંમેશા ઉદ્યોગ માટેનું કેન્દ્ર બની રહ્યું હતું. હીરા ઉદ્યોગનું સીધું ટ્રેડિંગ વિદેશોમાં સૌથી વધુ હતું. મુંબઈથી સીધા વિદેશ સાથે સરળતાથી વેપાર થઈ શકતો હતો અને તેને કારણે સુરત માત્ર ડાયમંડ પોલિશ કરવા પૂરતું સીમિત હતું. પરંતુ હવે સ્થિતિ બદલાય છે. મુંબઈના ડાયમંડના વેપારીઓ માટે હવે સુરત સૌથી પહેલી પસંદગીનું શહેર બની ગયું છે. ડાયમંડ બુર્સ અને મેટ્રો પ્રોજેક્ટથી સુરતની કાયાકલ્પ થશે.

સુરતમાં સારી પ્રોપર્ટીની શોધ
સુરતમાં તૈયાર થતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે સુરત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. વિશેષ કરીને ડાયમંડ ઉદ્યોગની અંદર વિશાળ તકો દેખાતા હવે મુંબઈના વેપારીઓ પણ સુરતમાં સ્થાયી થવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. મુંબઈના વેપારીઓએ સુરતમાં દુકાનો અને શોરૂમ તો ખરીદી રહ્યા છે પરંતુ હવે રહેવાનું પણ સુરતમાં જ થઈ જાય એ દિશામાં તેઓ આગળ આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં કોરોના સમય બાદ સુરતમાં મકાન ખરીદીને રહેવાનું શરૂ કરી દીધું છે તો ઘણા ખરા સુરતમાં સારી પ્રોપર્ટીની શોધમાં છે.

સુરત ડાયમંડ બુર્સ.
સુરત ડાયમંડ બુર્સ.

સુરતનો ડાયમંડ ઉદ્યોગ નવા જ શિખરો સર કરશે
સુરત શહેર વિશ્વના ફલક ઉપર માત્ર ડાયમંડ પોલિશિંગ માટે જ જાણીતું હતું પરંતુ હવે સુરત શહેર ડાયમંડ ટ્રેડિંગ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે પણ સૌથી મોખરાનું સ્થાન ધરાવી રહ્યું છે. સુરતમાં ડાયમંડ ઉદ્યોગ અને લઈને સુરત ડાયમંડ બુર્સ જે રીતે ઉભું થયું છે તે જોતા અનેક સંભાવનાઓ સામે દેખાઈ રહી છે. મુંબઈના વેપારીઓ પણ માની રહ્યા છે કે ડાયમંડ બુર્સના સાકાર થવાથી હવે સુરતનો ડાયમંડ ઉદ્યોગ નવા જ શિખરો સર કરશે.

લેબગ્રોન ડાયમંડનું પ્રોડક્શન ખૂબ મોટા પ્રમાણમાં
સુરતમાં છેલ્લા દોઢ બે વર્ષથી લેબગ્રોન ડાયમંડનું પ્રોડક્શન ખૂબ મોટા પ્રમાણમાં થવાનું શરૂ થઈ ગયું છે. જેના કારણે હવે ડાયમંડ ઉદ્યોગ માટે ખૂબ મોટી તકો ઊભી થઈ છે. રફ ડાયમંડનો મોટો જથ્થો હવે સુરતમાં જ પ્રાપ્ત થવા લાગ્યો છે. જેના કારણે સુરત શહેરમાં ટ્રેડિંગ પણ ખૂબ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયું છે. સુરતમાં મેન્યુફેક્ચરિંગ જ્વેલરીઓનું થતું હતું તેનો હવે મોટો ભાગ સુરતમાં જ મેન્યુફેક્ચર થવા લાગ્યો છે. લાખોની સંખ્યામાં ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે રોજગારી મળી રહે તેવી સ્થિતી ઉભી થઈ છે.

કેબી પટેલ અને હાર્દિક ગઢીયા.
કેબી પટેલ અને હાર્દિક ગઢીયા.

મુંબઈની સરખામણીએ સુરક્ષા પણ ખૂબ જ સારી
સુરતના ડાયમંડ વેપારી હિંમત દેસાઈએ જણાવ્યું કે સુરત શહેરમાં અમે પોતે મકાન ખરીદી લીધું છે. સુરત ડાયમંડ બુર્સમાં હજારોની સંખ્યામાં દુકાનો શરૂ થશે. અમારા માટે ડાયમંડ ટ્રેડિંગનો વેપાર હવે સુરતથી ડાયમંડ બુર્સના માધ્યમથી ખૂબ જ સારી રીતે થઈ શકશે. જેથી અમે સુરતમાં જ સ્થાયી થયા છે. સુરત શહેરમાં મુંબઈની સરખામણીએ સુરક્ષા પણ ખૂબ જ સારી છે. જ્યાં મહિલાઓ પણ મોડી રાત સુધી કોઈપણ ડર વગર ફરતી હોય તે શહેરમાં સ્વાભાવિક રીતે જ સુરક્ષિત અનુભવાય છે. એક વેપારીની દ્રષ્ટિએ કહું તો સુરત શહેર ખૂબ જ ઝડપથી વિકસતું શહેર છે તેથી ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ખૂબ જ મહત્વનું છે.

સુરતથી સીધી રીતે હવે વિદેશ સાથે પણ ટ્રેડિંગ થશે
મુંબઈના ડાયમંડ વેપારી કે. બી. પટેલે જણાવ્યું કે અમે છેલ્લા 35 વર્ષથી મુંબઈમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. સુરત શહેરમાં આગામી દિવસોમાં ખૂબ જ સારી રીતે હીરા ઉદ્યોગનો વિકાસ થશે. સુરત ડાયમંડ બુર્સનું સાકાર થવું અને શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. ડાયમંડ બુર્સ માટે ડાયમંડ મેટ્રો સ્ટેશન પણ આપવામાં આવ્યું છે જેને કારણે ડાયમંડ ઉદ્યોગના વિકાસ માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે. સુરતથી સીધી રીતે હવે વિદેશ સાથે પણ ટ્રેડિંગ થઈ શકશે. અમે તો સુરતમાં મકાન ખરીદીને સ્થાયી થઈ ગયા છે અમારી સાથે અનેક વેપારીઓ પણ હવે ધીરે ધીરે સુરત શહેર તરફ આગળ વધી રહ્યા છે. સુરતમાં મુંબઈની સરખામણીએ ભાવ પણ ખૂબ ઓછા છે અને સારી ફેસીલિટીના ફ્લેટ મળી રહે છે. ખૂબ લાંબા સમયથી મુંબઈમાં રહ્યા છે તેથી ઘણી વખત અમારા સુરતના સમાજના લોકોમાં હળી ભળી શકવામાં પણ તકલીફ થાય છે. સોશિયલ પ્રસંગોમાં વધુ હાજરી આપી શકતા નથી. અમે સુરતમાં રહેવાનું હવે પસંદ કરી રહ્યા છે કારણકે ત્યાં અમારો સમાજ પણ ખૂબ ઓછો છે. અમારા દીકરા દીકરીઓના લગ્ન કરવા જેવા અનેક સામાજિક કામો માટે સુરત શહેર અમારા માટે ખૂબ અનુકૂળ છે.

વિજય ધામેલીયા અને હિંમત દેસાઈ.
વિજય ધામેલીયા અને હિંમત દેસાઈ.

સુરતમાં મુંબઈની સરખામણીએ ખર્ચા પણ મર્યાદિત
મુંબઈના ડાયમંડ વેપારી હાર્દિક ગઢીયાએ જણાવ્યું કે મુંબઈ શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા ખૂબ વધારે છે. થોડા અંતર માટે પણ ટ્રાફિકને કારણે કલાકો વીતી જાય છે. ડાયમંડ ઉદ્યોગ માટે કસ્ટમની પણ સમસ્યાઓ ખૂબ મોટી છે. મુંબઈની અંદર ખર્ચાનો પ્રમાણ પણ મોંઘવારીના કારણે વધારે છે. જ્યારે સુરત શહેરમાં મુંબઈની સરખામણીએ ખર્ચા પણ મર્યાદિત છે. અમે વેસુ વિસ્તારમાં મકાન ખરીદી લીધું છે. ડાયમંડ બુર્સ અમારા ખરીદેલા ઘરથી માત્ર 15 મિનિટના અંતરે જ છે. મુંબઈમાં આ અંતર પણ કાપવું હોય તો કલાકો વીતી જાય છે.

ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ સુરત પસંદ કર્યું
સુરતના ક્રિડાઈના વાઇસ પ્રેસિડેન્ટ વિજય ધામેલીયા જણાવ્યું કે માત્ર ડાયમંડ ઉદ્યોગ માટે નહીં પરંતુ સુરત શહેર હવે તમામ ઉદ્યોગકારો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે રહેવા લાયક શહેર બની ગયું છે. મુંબઈની સરખામણીએ સુરત શહેરમાં સસ્તા દરે મકાન અને ઓફિસ મળી રહે છે. સુરત શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે વધી રહ્યું છે તેને કારણે ઉદ્યોગ માટે સુરત શહેર ખૂબ જ મહત્વનું બની ગયું છે. કોરોના સંક્રમણ બાદ મુંબઈમાં રહેતા લોકો માટે મુંબઈ છોડીને અન્ય કયા શહેરમાં જવું તેને માટે બે વિકલ્પ હતા. કા તો મુંબઈથી પુણે અથવા સુરત સ્થાયી થવા માટેના બે શહેરો હતા. મોટાભાગના ઉદ્યોગકારો અને વિશેષ કરીને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ સુરત શહેરમાં સ્થાયી થવા માટેની પસંદગી કરી છે તેના કારણે રિયલ એસ્ટેટ ઉદ્યોમાં તેજી આવી છે. સુરત શહેરમાં મુંબઈની સરખામણીએ સુરક્ષા પણ ઘણી સારી છે જોખમ લઈને ફરવું વેપારીઓ માટે સરળ બની રહે છે. કોરોના કાર્ડ બાદ સુરત શહેરમાં મુંબઈથી અનેક વેપારીઓ સ્થાયી થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...