એક તરફ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના કામમાં ઝડપ વધી છે ત્યારે બીજી તરફ ડીએફસી (ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર) હેઠળના કામો પણ આગળ વધી રહ્યા છે. નિયોલમાં લાઈન બિછાવવાનું કામ પણ તેજ બન્યુ છે.
નિયોલથી જ તાપ્તિલાઈનની માલગાડીઓ ડીએફસી લાઈન પર અને ડીએફસી લાઈનની માલગાડીઓ તાપ્તિ લાઈન પર શિફ્ટ થઇ શકશે. સચિન વૈતરણા સેક્શન પર 40 કિમી જેટલી લાઈન બિછાવવામાં આવી રહી છે. નિયોલ ડેડીકેટેડ ફ્રેટ કોરીડોરનું મહત્વપૂર્ણ સ્થળ બની રહેશે. અહીં જ તાપ્તિલાઈન અને ડેડીકેટેડ ફ્રેટ કોરોડોરની લાઈન એક બીજા સાથે જોડાઈ જશે. મધ્ય રેલવે તરફથી આવનારી માલગાડીઓ નિયોલથી ડાયવર્ટ થઇને ડીએફસી લાઈન પર જઈ શકશે. આવી જ રીતે ડી. એફ. સી. લાઈનની ટ્રેનો અહીંથી જ એટલે કે નિયોલથી તાપ્તિલાઈન પર ડાયવર્ટ થઇ રેલવેની મેઈન લાઈન પર આવી શકશે.
સુરત શહેરની પૂર્વ તરફના ભાગે શહેરને અસર કર્યા વગર ડી.એફ. સી.નું કામ આગળ વધી રહ્યું છે. મેઈન લાઈનની આસપાસ આ કામગીરી જોઈ શકાય છે. સુરતની પૂર્વ દિશામાં લગભગ 20થી 25 કિમિ સુધી લાઈન બિછાવવાનું કામ ચાલી રહ્યું છે. રેલવે માટે નિયોલ રેલવે સ્ટેશન વ્યવસાયિક રીતે પેસેન્જર ટ્રેનને અનુરૂપ નથી ત્યારે ડી. એફ. સી પરિયોજના સાકાર થતા જ નિયોલ એક મહત્વનું સ્ટેશન બની જશે.
5 વધારાની લાઇન પર ગુડ્ઝ ટ્રેન પાર્ક કરાશે
ઉધનામાં સ્ટેબલીંગ લાઈન ઘટાડાઈ છે અને નિયોલમાં વધારાની લાઈન બનાવાઈ રહી છે. ગુડ્સ માટેની ડીએફસી લાઇન પણ અહીંથી પસાર થશે, આવી સ્થિતિમાં નિયોલથી ગુડ્ઝ ટ્રેનોને ડીએફસી પર ડાયવર્ટ કરાશે, જેથી 5 વધારાની લાઇન બનાવી ગુડ્ઝ ટ્રેન પાર્ક કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.