• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Heart Beating From Surat Covered A Distance Of 273 Km In 90 Minutes In Ahmedabad With Donation Of Transplants, Kidneys And Livers.

અંગદાનથી ચારને નવું જીવન:સુરતથી ધબકતું હ્રદય 90 મિનીટમાં 273 કિમીનું અંતર કાપી અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ, કિડની અને લિવરના દાનથી માનવતા મહેકી

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
બ્રેઈનડેડ જાહેર થયા બાદ અર્જુનના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. (ઈન્સેટમાં અર્જુનની ફાઈલ તસવીર) - Divya Bhaskar
બ્રેઈનડેડ જાહેર થયા બાદ અર્જુનના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. (ઈન્સેટમાં અર્જુનની ફાઈલ તસવીર)

ટેક્સટાઈલ અને ડાયમંડ જ નહીં સુરત હવે અંગદાનના શહેર તરિકે જાણીતું થઈ રહ્યું છે. ત્યારે સુરતથી 42માં હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. સુરતના 19 વર્ષીય યુવક બ્રેઈનડેડ જાહેર થયા બાદ તેના હ્રદય,કિડની અને લિવરનું દાન કરીને ચાર વ્યક્તિઓને નવું જીવન આપીને માનવતા મહેકાવવામાં આવી છે. સુરતથી અર્જુન રાકેશભાઈ રાઠોડ ઉ.વ 19ના હ્રદય 90 મિનીટમાં 273 કિમીનું અંતર કાપી અમદાવાદમાં સુરેન્દ્રનગરના 22 વર્ષીય મુસ્લિમ યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

અકસ્માતે અર્જુન બ્રેઈનડેડ જાહેર થયેલો
સુરત નજીક આવેલા કઠોરના નવું ફળિયું ખાતે રહેતો અર્જુન, સાયન રોડ, શેખપુરમા આવેલ ટેક્ષટાઈલ યુનિટમાં કામ કરતો હતો. મંગળવાર તા. 8 નવેમ્બરના રોજ અર્જુન તેના મિત્ર સાથે બાઈક પર કઠોર પોતાના ઘરે આવી રહ્યો હતો. ત્યારે રાત્રે 9.30૦ કલાકે કઠોર ગામ કન્યા છાત્રાલયની સામે અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતા તે નીચે પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજા થવાથી તે બેભાન થઇ ગયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક સુરતની કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં ગંભીર ઈજાઓ હોવાને કારણે મગજની નસ ફાટી ગઇ હોવાનું નિદાન થયું હતું.

પિતાનું કરંટ લાગતા અવસાન થયેલું
ડૉ. મેહુલ પંચાલ સાથે રહી અર્જુનના માતા પુષ્પાબેન, ભાઈ કરણ, કાકા મનોજભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ.અર્જુનના માતા પુષ્પાબેન અને તેના ભાઈ કરણે જણાવ્યું કે, અર્જુન બ્રેઈનડેડ છે. તેનું મૃત્યુ નિશ્વિત જ છે. શરીર બળીને રાખ જ થઇ જવાનું છે. ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. અર્જુનના પિતાનું એપ્રિલ 2021મા કરંટ લાગવાને કારણે દુઃખદ અવસાન થયું હતું. તેના પરિવારમાં માતા પુષ્પાબેન જેઓ પી.પી.સવાણી સ્કૂલમાં સફાઈનું કામ કરે છે. ભાઈ કરણ ઉ.વ. 22 સાયન રોડ, શેખપુરમા આવેલ ટેક્ષટાઈલ યુનિટમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. અને બીજો ભાઈ સુનિલ ઉ.વ. 15 કઠોરમાં આવેલ વંદે ગલીયારી હાઇસ્કુલમા ધોરણ 10મા અભ્યાસ કરે છે.

પરિવાર તથા મેડિકલ સ્ટાફ દ્વારા કિરણને આખરી સલામી અપાઈ હતી.
પરિવાર તથા મેડિકલ સ્ટાફ દ્વારા કિરણને આખરી સલામી અપાઈ હતી.

પરિવારે સંમતિ આપી હતી
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પીટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.અમદાવાદની સિમ્સ હોસ્પીટલના ડો. કિશોર ગુપ્તા, ડૉ. વિપુલ આહીર, ડૉ. ચિંતન શેઠ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર સુનીલ અગ્રવાલ, આકાશ અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પીટલના ડો. ધર્મેશ ધાનાણી, ડો.રવિ મોહન્કા, ડો. પ્રશાંથ રાવ, ડો. મિતુલ શાહ, ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર, ડો.મિથુન કે.એન., ડો.વિમલ કરગથા, ડો.આનંદ પસ્તાગીયા અને તેમની ટીમે સ્વીકાર્યું.

મુસ્લિમ યુવકમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટ
દાનમાં મેળવવામાં આવેલ હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી 22 વર્ષીય મુસ્લિમ યુવકમાં અમદાવાદની સિમ્સ હોસ્પીટલમા ડો. ધીરેન શાહ, ડો.ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 40 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી 64 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.

ચાર્ટર્ડ વિમાનમાં હ્રદય મોકલાયું
હ્રદયને ચાર્ટર્ડ વિમાન મારફત અમદાવાદ પહોંચાડવા માટે સુરતની કિરણ હોસ્પિટલ થી એરપોર્ટ સુધીના માર્ગને સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. સુરતથી બેતાળીસમાં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

તમામ ટીમનો સહયોગ મળ્યો
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફમાર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં અર્જુનના માતા પુષ્પાબેન, ભાઈ કરણ, અરુણ, સંજય, કાકા મનોજભાઈ, બેનમનીષાબેન, બનેવી પરેશભાઈ, પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડા, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અપેક્ષા પારેખ અને ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર સંજય ટાંચક, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રીરાકેશ જૈન, ટ્રસ્ટી હેમંત દેસાઈ, ટ્રસ્ટી અને CEO નિરવ માંડલેવાલા, જીગ્નેશ ઘીવાલા, કરણ પટેલ, સ્મીત પટેલ, અંકિત પટેલ, મહેન્દ્ર સિંહગોહિલ, રમેશભાઈ વઘાસીયા, જગદીશભાઈ ડુંગરાણી, કૃતિક પટેલ, કિરણ પટેલ, દિવ્યાંગ પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, મુરલીધર મોરે, નિહિર પ્રજાપતિ, રોહન સોલંકી અને ચિરાગ સોલંકીનો સહકાર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...