અપહરણકાર ઝડપાયો:સુરતમાં વેપારીના પુત્રનું અપહરણ કરી હાથની આંગળી કાપી નાંખનાર રીઢો ગુનેગાર ઝડપાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કપાયેલી આંગળી કાગળમાં લઈને વિદ્યાર્થીને લઈને સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. આ તસવીર વિચલિત કરી શકે છે. - Divya Bhaskar
કપાયેલી આંગળી કાગળમાં લઈને વિદ્યાર્થીને લઈને સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. આ તસવીર વિચલિત કરી શકે છે.
  • સિધ્ધાર્થ નગરની ઘટનામાં બચાવવા ગયેલી માતાને પણ માર માર્યો હતો
  • આરોપી રીઢો ગુનેગાર ભટારના આઝાદનગરમાં છુપાયો હતો

સુરતમાં ભેસ્તાનના સિધ્ધાર્થ નગરમાં અઠવાડીયા અગાઉ ધો. 11ના વિદ્યાર્થીને તેના જ ઘરની સામે ચપ્પુના ઘા ઝીંકી હાથની આંગળી કાપી નાંખી હતી. ત્યારબાદ અપહરણ કરી ત્રણેક કલાક સુધી અલગ-અલગ વિસ્તારમાં ફેરવ્યા બાદ મુક્ત કરી દીધો હતો. આ ઘટનામાં પાંડેસરા પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ચપ્પુના ઘા ઝીંકી જમણા હાથની આંગળી કાપી નાંખી હતી
ભેસ્તાનના સિધ્ધાર્થ નગરના વાલ્મિકી આવાસમાં રહેતા કરિયાણાના વેપારી ગણપત ચૌધરીનો ધો. 11 માં અભ્યાસ કરતો પુત્ર વિકાસ (ઉ.વ. 19) અઠવાડીયા અગાઉ ઘરના આંગણામાં મિત્ર રાહુલ અને હર્ષ સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે માથાભારે સુરજ કાલીયો અને તેના મિત્ર કુલદીપ, અખિલેશ, અનિકેત અને રાજ સહિત પાંચેક જણા બે બાઇક પર ઘસી આવી ચપ્પુ બતાવ્યું હતું. જેથી રાહુલ અને હર્ષ ભાગી ગયા હતા પરંતુ વિકાસને પકડીને ચપ્પુના ઘા ઝીંકી જમણા હાથની આંગળી કાપી નાંખી હતી. જેથી પુત્ર વિકાસને બચાવવા માતા બદાનતીદેવી (ઉ.વ. 34) દોડી આવતા તેમને પણ માર માર્યો હતો.

આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
આ ઘટનામાં પાંડેસરા પોલીસે સુરજ ઉર્ફે સુરજ કાલીયો દયાશંકર સરોજ (ઉ.વ. 26) ને ભટારના આઝાદનગરમાં તેના મિત્રના ઘરેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સ્થાનિક વિસ્તારમાં રખડતો ભટકતો રહેતો સુરજ કાલીયા અને વિકાસના મિત્ર સુશીલ ઉર્ફે લંબુ વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં વિકાસનું અપહરણ કર્યુ હતું. ઉલ્લેખનયી છે કે સુરજ કાલીયા વિરૂધ્ધ મારામારી, હત્યાનો પ્રયાસ, લૂંટ સહિત એક ડઝનથી વધુ ગુના નોંધાયેલા છે અને બે વખત પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી છે.