સોશિયલ મીડિયા લોકો માટે ઘણું ઉપયોગી છે. પરંતુ કેટલાક ઈસમો આ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા હોય છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે એક ઈસમની ધરપકડ કરી છે. આ ઇસમે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીના ફોટો વાઈરલ કરવાની ધમકી આપી હતી.
સોશિયલ મીડિયાનો દુરુપયોગ
યુવકે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક અકાઉન્ટ બનાવ્યું હતું. તેમાં યુવતીના ફોટો મૂક્યા હતા. આ ઉપરાંત આ ઇસમે ફરિયાદીના અન્ય કેટલાક ફોટો મોર્ફ કરીને તેને બીભત્સ બનાવ્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદ લઈ સમગ્ર મામલે તપાસ કરી યુવતીને બદનામ કરનાર ઇસમની ધરપકડ કરવામાં આવી છે.
અજાણ્યા સમાજ સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક જોખમી
સુરતની સાઈબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી કે, એક અજાણ્યા ઇસમે નવેમ્બર 2021થી યુવતીના નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. આરોપીએ પટેલ શીતલ અને સેજલ ગામિત નામના ફેક એકાઉન્ટમાંથી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું તને જેમ કહું તેમ તારે કરવું પડશે અને જો તું આ રીતે નહીં કરે તો હું બીજા ફોટોગ્રાફ્સને બીભત્સ રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી આપીશ. જેથી યુવતીએ સમગ્ર મામલે પોલીસને ફરિયાદ આપતા સુરત સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી હતી.
આરોપીના અગાઉ પણ ગુના કર્યા
પોલીસના ટેક્નિકલ સર્વેલેન્સના આધારે તથા બાતમીના આધારે પોલીસે જગદીશ પ્રકાશ મકવાણા નામના ઇસમની ધરપકડ કરી છે. આ ઈસમ બોટાદ તાલુકાના ખાંભડા ગામમાં રહે છે અને તેની ઉંમર 20 વર્ષની છે. આરોપી સામે અગાઉ બરવાળા પોલીસ સ્ટેશન, વ્યારા પોલીસ સ્ટેશન અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ થયા છે. ભૂતકાળમાં પણ યુવતીઓને બ્લેકમેલ કરીને તેમને બદનામ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.