સાયબર ક્રાઇમ:KYCના નામે લોકોનાં ખાતાં ખાલી કરતી ટોળકી પાસે 500 ડેબિટ કાર્ડ મળી આવ્યા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હૈદરાબાદમાં થયેલી 20 લાખની ઓનલાઇન ચીટિંગનો રેલો સુરત પહોંચ્યો

બેંકખાતા માટે કેવાયસી અપડેટના નામે લીંક મોકલી લોકોના ખાતામાંથી લાખો રૂપિયા સેરવી લેનારી ટોળકીના 4 બદમાશોને સુરત ક્રાઇમબ્રાંચની ટીમે હૈદરાબાદની પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન કરી વરાછામાંથી પકડી પાડયા છે. આ ચારેય આરોપીઓને હૈદરાબાદ પોલીસને સોંપી દેવાયા છે. ઝડપાયેલા સૂત્રધાર રવિ બોરડા પાસેથી 500 ડેબિટકાર્ડ સહિત ડોક્યુમેન્ટો મળ્યા છે. વર્ષ 2022માં હૈદરાબાદ સાયબર પોલીસમાં 20 લાખની ઓનલાઇન ચીટીંગની ફરિયાદ થઈ હતી. આ ઘટનામાં જે ડેબિટકાર્ડમાં રૂપિયા જમા થતા હતા તેનું એડ્રેસ સુરતનું નીકળતા હૈદરાબાદ પોલીસ સુરત આવી હતી.

ઝડપાયેલા રવિ બોરડાની વરાછામાં ઓનલાઇન ટ્રાન્જેકશનો માટેની ઓફિસ છે. ઓફિસમાંથી તે ડેબિટકાર્ડમાં જમા થયેલી રકમ સ્વાઇપ મશીનથી બે મિનીટમાં ટ્રાન્સફર કરી બાદમાં ઉપાડી લેતો હતો. સૂત્રધાર રવિ બોરડાએ વરાછાના 3 યુવકોને કમિશનની લાલચમાં ભેરવાયા હતા.

હૈદરાબાદ-સુરત પોલીસે વરાછામાંથી 4ને ઝડપી લીધા
​​​​​​​રવિ બોરડાની સલીલ સાથે ઓળખાણ સોશિયલ મીડિયા થકી થઈ હોવાનું પોલીસને જણાવ્યું, સલીલે તેને વોટસએપ કોલ કરી બિઝનેસ માટેની વાત કરી હતી. સલીલ રવિ પાસે રૂપિયા લેવા ફોર્ચ્યુનર કાર લઇ સુરત આવતો હતો. અગાઉ 6 વાર સલીલ પોતે આવ્યો હતો. હવે તેનો માણસ રૂપિયા લેવા આવતો હોવાની વાત કરી હતી. સલીલ અગાઉ મુંબઈની જેલમાં જઈ આવ્યો હતો.

ગુજરાતના યુવકોને બિઝનેસની લાલચ આપી ગુનેગાર બનાવ્યા
​​​​​​​સલીલ પાસે ચીટીંગ કરતી ટોળકી છે. જેના થકી સલીલે ગુજરાતમાં રવિ જેવા ઘણા યુવકોને બિઝનેસની લાલચ આપી ગુનેગાર બનાવ્યા છે. હૈદરાબાદ સાયબર ક્રાઇમની ટીમે તપાસ માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે.રવિ 10 ટકા કમિશન કાપી સૂત્રધાર સલીલના માણસ રકમ લેવા સુરત આવતો હતો.મોટાવરાછાનો સૂત્રધાર રવિ બોરડા ડેબીટકાર્ડ સ્વાઇપ કરી બાદમાં લાખોની રકમ ઉપાડી લેતો હતો.

પકડાયેલા આરોપીઓના નામો
રવિ મુકેશ બોરડા(26 વર્ષ)(ધંધો-ઓનલાઇન ટ્રાન્જેકશન)(રહે,ઈન્દ્રલોક રેસીડન્સી,મોટાવરાછા), ભાવેશ રસીક કલસરીયા(38 વર્ષ)(ધંધો-મિકેનિક)(રહે,રવિપાર્ક સોસા,પુણાગામ), ગણેશ નારણ કોસીયા(55 વર્ષ)(ધંધો-રત્નકલાકાર)(રહે,રામેશ્વર રેસિડન્સી,સરથાણા), તુષાર નાનજી બલર(29 વર્ષ)(ધંધો-ફોટો સ્ટુડીયો)(રહે,ક્રિષ્નાપાર્ક સોસા,મોટાવરાછા)

અન્ય સમાચારો પણ છે...