તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયલન્ટ વોરિયર્સ:લોહીની અછત ન સર્જાય તે માટે 12 યુવકોના ગ્રુપે બ્લડ બેંકમાં જઈને રક્તદાન કરી માનવતા મહેકાવી

સુરતએક વર્ષ પહેલા
કોરોના સમયમાં જરૂરીયાત મંદ લોકોને લોહી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે યુવકો રક્તદાન કરવા પહોંચ્યા હતાં.
  • કોરોના સમયમાં પણ દર્દીઓને લોહીની જરૂરીયાત હોવાથી રક્તદાન
  • બ્લડ બેંક દ્વારા યુવકોને લેવા મુકવા માટે બસ સહિતની વ્યવસ્થા કરાઈ

કોરોનાના કારણે હાલ લોકાડાઉન ચાલી રહ્યું છે. જેથી લોકો ઘરની બહાર જઈ શકતા નથી કે મોટી સંખ્યામાં એકઠા થઈ શકતા નથી. આવા સમયે બ્લડબેંક દ્વારા રક્તદાન કેમ્પ ન પણ યોજી શકાતા નથી. જેથી બ્લડ બેંકમાં રક્તની અછત ન સર્જાય તે માટે બેંક દ્વારા અપીલ કરવામાં આવતાં 12 યુવકોના ગ્રુપ દ્વારા બ્લડબેંક જઈને રક્તદાન કરવામાં આવ્યું હતું. યુવકોએ જણાવ્યું હતું કે, દર્દીઓમાં અત્યારે લોહીની જરૂરીયાત ઉભી ન થાય તે માટે તેઓ પોતાના ગ્રુપ સાથે રક્તદાન કર્યું છે.

એક મેસેજથી જ ગ્રુપના સભ્યો દોડી ગયા

સરથાણા વિસ્તારમાં આવેલી ભૂમિ પાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે, અમારા ગ્રુપના સભ્યો ઘણા વતન જતાં રહ્યાં છે. તેમ છતાં અમારા મિત્રો થકી જાણવા મળ્યું કે, લોહીની અછત બ્લડ બેંકમાં સર્જાય તેવું જાણવા મળ્યું હતું. જેથી અમે 12 લોકોના ગ્રુપમાં એક મેસેજ રક્તદાન માટે અને લગભગ જોત જોતામાં જ 12 લોકોએ રક્તદાન માટે તૈયારી દર્શાવી હતી. જેથી બેંકને જાણ કરતાં તમામ વ્યવસ્થા થતાં અમે રક્તદાન કરી શક્યાં. અત્યારના સમયમાં લોકોને રક્તદાન કરવાની ખૂબ જરૂર છે કારણ કે અત્યારે બ્લડબેંકમાં લોહી આવતું નથી અને જરૂરીયાત તો એ જ રહે છે.

બ્લડ બેંક દ્વારા બસની વ્યવસ્થા કરાઈ છે

માનગઢ ચોક મિનીબજાર ખાતે આવેલી લોક સમર્પણ બ્લડ બેંક સાથે સંકળાયેલા દિલીપભાઈ બુહાએ જણાવ્યું હતું કે, બ્લડ બેંકના અગ્રણીઓના માર્ગદર્શનમાં અમે સારી વ્યવસ્થા કરી શક્યા છીએ. રક્તદાતાઓ અમારો સંપર્ક કરે એટલે અમે તેમની અનુકુળતા પ્રમાણે બસ લઈને તેમને લઈ આવીએ અને રક્તદાન થાય પછી તેમના સ્થળે મુકી આવીએ છીએ. બેંક પર લોકોની ભીડ ન થાય સોશિયલ ડિસ્ટસન્સ જળવાઈ રહે તે સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પણ રક્તદાનની પ્રક્રિયા અવિરત શરૂ રાખવામાં આવી છે.જેથી થેલેસેમિયાથી લઈને કોઈને ઓપરેશન હોય તો તે દર્દીને આસાનીથી લોહી મળી રહે.

બ્લડબેંકનો એક સ્ટાફ સ્પેરમાં રખાયો છે

લોકસમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરીભાઈ કથિરીયાએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. બ્લડ બેંકમાં કામ કરતાં કોઈ એક સ્ટાફને પણ કોરોનાનો ચેપ લાગે તો બેંકના તમામ સ્ટાફને કોરન્ટીન કરીને બેંક બંધ કરવાની સ્થિતિ નિર્માણ ન થાય તે માટે આગોતરૂં આયોજન કરવામાં આવ્યું છે. બેંકનો અડધો સ્ટાફ અત્યારે સ્પેરમાં રાખવામાં આવ્યો છે. જેથી બ્લડ બેંકની કામગીરી સતત ચાલતી રહે.અત્યારના સમયમાં અમે રક્તદાતાઓને કોઈપણ ભય રાખ્યા વગર રક્તદાન કરવાની અપીલ કરીએ છીએ. જેથી કોઈ પણ વિકટ સ્થિતિમાં જરૂરીયાત મંદોને લોહી આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...