LRD માટે નવું મેદાન:LRDની તૈયારીઓ માટે સુરતના નવાગામ ડિંડોલીમાં મેદાન તૈયાર કરવામાં આવ્યું, MLA સંગીતા પાટીલે પણ લીધી મુલાકાત

સુરત13 દિવસ પહેલા
મનપા અધિકારી, કોર્પોરેટરો અને ઉમેદવારો સાથે ધારાસભ્ય સંગીતા પાટીલ.

રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં મોટી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત LRD ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે. LRDના તમામ ઉમેદવારોની આગામી ડિસેમ્બર મહિનામાં શારીરિક અને માર્ચ મહિનામાં લેખિત પરીક્ષા યોજાવાની છે, જેને પગલે સરકારી નોકરી મેળવવા માટે મોટા પ્રમાણમાં યુવક અને યુવતીઓ તૈયારી કરી રહ્યાં છે. ફિઝિકલ પરીક્ષા પાસ કરવા માટે સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં સ્થાનિક નેતાઓની મદદથી મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. આ મેદાનમાં યુવાનો પોતે ફિઝિકલ ફિટનેસ માટેની દોડથી લઇને તમામ પ્રકારની કસરતો કરવા માટેની જગ્યા ઊભી કરવામાં આવી છે.

"સડક સે સરહદ તક" નામે ગ્રુપ બનાવી કરે છે તૈયારીઓ
સુરતની લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ 15 નવેમ્બરે મેદાન પર પહોંચ્યા હતા. યુવાનો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે એનું નિરીક્ષણ કર્યું હતું. ડિંડોલી, લિંબાયત, નવાગામ, પાંડેસરા, ઉધના જેવા વિસ્તારોમાં યુવકો મોટી સંખ્યામાં આર્મી અને પોલીસમાં ભરતી થવા માટે તૈયારીઓ કરે છે. આ વિસ્તારના યુવાનો છેલ્લા ઘણા સમયથી રસ્તા પર જ ફિઝિકલ ફિટનેસ માટેની તૈયારી કરતા જોવા મળ્યા હતા. "સડક સે સરહદ તક" નામે ગ્રુપ ચલાવીને તમામ યુવકો એ જ જગ્યાએ એકત્રિત થઈને શારીરિક પરીક્ષાની પુરજોશમાં તૈયારીઓ કરે છે. યુવાનો એકસાથે ભેગા થઈને શિસ્તબદ્ધ રીતે રનિંગ સહિતની કસરતો ડામરના રસ્તા પર જ કરતા હતા, જેને કારણે તેમને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ ભરતીની પ્રક્રિયામાં ભાગ લીધેલા સૌ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ ભરતીની પ્રક્રિયામાં ભાગ લીધેલા સૌ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

લિંબાયતના અનેક યુવાનોએ કરે છે તૈયારી આ અંગે ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે હાલમાં યોજાનારી પોલીસ ભરતીમાં લિંબાયત વિસ્તારના ઘણા યુવાનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે. એ આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે. આવનારા થોડા દિવસમાં તેની શારીરિક કસોટી આવવાની છે, તેથી તેમની ફિઝિકલ ટ્રેનિંગ માટે લિંબાયત વિધાનસભા વિસ્તારના નવાગામ ડિંડોલી ખાતે મેદાન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં આસામમાં ફરજ બજાવતા આપણા વિસ્તારના જવાન ભટુભાઈ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાથે વિસ્તારના કોર્પોરેટરો, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ ભરતીની પ્રક્રિયામાં ભાગ લીધેલ સૌ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

અમારા વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ પણ નથી અને એના માટે અમે રજૂઆત કરી છે. આજ મેદાનને સ્પોર્ટ્સ સંકુલમાં ફેરવી દેવામાં આવે એ પ્રકારની અમારી લાગણી છે. સુરત કોર્પોરેશનની મદદથી અને અમે કેટલાક ભંડોળ ભેગું કરીને રમતગમત માટેની વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...