ચંદી પડવાની ખુશી માતમમાં ફેરવાઈ:સુરતમાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કાકાને લટકતા જોઈ ભત્રીજો હેબતાઈ ગયો

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર વિચલીત કરી શકે છે. - Divya Bhaskar
આ તસવીર વિચલીત કરી શકે છે.
  • રાત્રે ભોજન સાથે ભુસુ અને ઘારી આરોગી આખા પરિવારે ચંદી પડવાની ઉજવણી કરી રાત્રે 10 વાગે છૂટ્ટા પડ્યા હતા

સુરતના ડીંડોલી વિસ્તારમાં યાદવ પરિવારના સભ્યએ પરિવારને નિદ્રાવાન છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આપઘાત કરનાર સુરેશ યાદવ નાસ્તાની દુકાન ચલાવતો હતો. સવારે ભત્રીજાએ ઉંઘમાંથી જાગતા જ કાકાને લટકતા જોઈ બુમાબુમ કરી દેતા પરિવારને જાણ થઈ હતી.

ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા
પરિવારે જણાવ્યું હતું કે સુરેશ મૂલચંદ યાદવ (ઉ.વ 40, રહે. અંબિકા નગર, ડીંડોલી) ના ત્રણ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. પત્ની, બે ભાઈ અને માતા-પિતા અને ભત્રીજા સાથે એક નાનકડા મકાનમાં રહેતા હતા. યુપીવાસી સુરેશ કાપડ માર્કેટમાં નાસ્તાની લારી લગાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

ચંદી પડવાની ઉજવણીના ભાગરૂપે ઘારી પણ લાવ્યો હતો
વધુમાં જણાવ્યું હતું કે ગુરુવારે ચંદી પડવાની ઉજવણીના ભાગરૂપે સુરેશ ઘારી પણ લઈ આવ્યો હતો. રાત્રે ભોજન સાથે ભુસુ અને ઘારી આરોગી આખા પરિવારે ચંદી પડવાની ઉજવણી કરી રાત્રે 10 વાગે છુટ્ટા પડ્યા હતા. ભત્રીજા સાથે રૂમમાં સૂઈ જતા સુરેશને સવારે ઉંઘમાંથી જાગી ગયેલા ભત્રીજાએ સાડી ઉપર લટકતી હાલતમાં જોઈ હેબતાઇ ગયો હતો. બુમાબુમ કરતા પરિવાર દોડી આવ્યું હતું. સુરેશના આપઘાતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તત્કાલિક 108ને બોલાવી તપાસ કરાવતા તેમણે પણ મૃત જાહેર કર્યો હતો. હાલ ડીંડોલી પોલીસ આગળની તપાસ કરી રહી છે.