કોરોના નો ભરડો:સાંસદ દર્શના જરદોશ સહિત વધુ 183 પોઝિટિવ, 2 મોત, 218 સાજા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ પણ કોરોના ચેપગ્રસ્ત થયા છે. તાવની ફરીયાદ બાદ તેમણે ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને હોમ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે. ગુરુવારે શહેરમાં 141 અને જિલ્લામાં 42 કેસ સાથે કોરોનાના વધુ 183 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 39286 થઈ ગઈ છે. ગુરુવારે શહેર જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1024 થઈ ગયો છે. ગુરુવારે શહેરમાંથી 159 અને જિલ્લામાંથી 59 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 36882 કોરોના પોઝિટિવ દર્દી કોરોનાને માત આપી ચુક્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ગુરુવારે ઘટીને 1400 થી નીચે પહોચીં 1380 થઈ ગઈ છે.

સાંસદ પ્રદેશ ભાજપ પ્રમુખના સ્વાગત કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા
ગુરુવારે સુરત સાંસદ દર્શના જરદોશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.પોઝિટિવ આવતા સાંસદ પોતાના ઘરમાં હોમ આઇસોલેશન થઇ ગયા હતા. હાલમાં જ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવાઈ માર્ગે સુરત આવ્યા હતા ત્યારે સાંસદ દર્શના જરદોશ પણ ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરો સાથે સ્વાગતમાં એરપોર્ટ પહોંચ્યા હતા.તેઓ શહેર ભાજપ પ્રમુખના પદગ્રહણમાં પણ હાજર હતા.

45 વર્ષીય મહિલા સહિત 2ના મોત
ગુરુવારે શહેર જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં કોસાડ રોડ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય આધેડને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 20 ઓક્ટોબરે કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે તેમનું મોત નિપજ્યું છે. તેવી જ રીતે બારડોલીના મઢીના રહેવાસી 45 વર્ષીય મહિલાનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...