સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે બજેટ ઉપર ચર્ચા ચાલી રહી હતી. મોડી રાતે દસ વાગ્યા સુધી સભાખંડમાં બેઠેલા તમામ કોર્પોરેટરો પોતપોતાની રીતે બજેટની વાતો કરી રહ્યા હતા. તે દરમિયાન એકાએક જ સામાન્ય સભાના ખંડમાં ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. ધુમાડા નીકળવાની થોડી ક્ષણોમાં જ એકાએક સ્પાર્ક થયો અને આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું. સામાન્ય સભામાં સભ્યો પોતાની વાત રજૂ કરવાનું ચાલુ જ હતું. તે દરમિયાન એકાએક આગ લાગવાની ઘટના બનતાની સાથે સભાખંડમાં તમામ ઉપસ્થિત રહેલા કોર્પોરેટરો નાસભાગ કરવા લાગ્યા હતા. કોર્પોરેશનના તમામ અધિકારીઓ સભાખંડમાં હાજર હતા.
મેયરે તાત્કાલિક સભા મોકૂફ કરી
સભાખંડના એસીના ચોકમાં સ્પાર્ક થતાની સાથે જ આગ લાગવાનું શરૂ થયું હતું. બજેટ અંગેની ચર્ચા કરતા તમામ કોર્પોરેટરો પોતાના સ્થાન છોડીને ઊભા થઇ ગયા હતા. મેયર પોતે પોતાના ડાયસ પરથી તાત્કાલિક સામાન્ય સભાને મોકૂફ રાખવા માટેની જાહેરાત કરવી પડી હતી. કોર્પોરેશનમાં ફાયરસેફ્ટીના જે સાધનો લગાવવામાં આવ્યા હતા તેની મદદથી આગ ઉપર કાબૂમેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમામ અધિકારીઓની હાજરીમાં આ પ્રકારની ઘટના બનતા થોડા સમય માટે બધા સ્તબ્ધ થઇ ગયા હતા.
આવતીકાલે સવારે 9 વાગે સભા શરૂ થશે
મેયર હેમાલી બોઘાવાલા સાથે વાતચીત થયા પ્રમાણે તેમણે જણાવ્યું કે, સામાન્ય સભા દસ વાગ્યા સુધી ચાલી રહી હતી અને ત્યારબાદ પણ હજી પણ નગરસેવકો પોતાની વાત મૂકી રહ્યા હતા. પરંતુ એકાએક જ સભાખંડમાંથી ધુમાડો નીકળતા અમારે સૌ કોઈની નજર તેના પર ગઈ હતી અને સ્પાર્ક થતાની સાથે જ નાની આગની ફ્લેમ દેખાતી હતી. કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર તાત્કાલિક અસરથી સામાન્ય સભાને મોકૂફ રાખી કાલે સવારે 9 વાગે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ તમામ કોર્પોરેટરો અને અધિકારીઓને સભાખંડની બહાર નીકળી જવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. ફાયરસેફ્ટીના સાધનથી જ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો અને ઇલેક્ટ્રિશયન દ્વારા કામગીરી પૂર્ણ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.