સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ફલાય ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલા ગેસની બોટલો ભરેલા છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં 3 ફાયર સ્ટેશનની 5 થી 6 ગાડી ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.જોકે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો.જોકે,દુર્ઘટનાને પગલે ઓવરબ્રિજના બન્ને રૂટ બંધ કરી દેવાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગેસની બોટલ હોવાથી ભય પેદા થયો
વરાછાના ગંગેશ્વર સોસાયટીની સામે આવેલા ફલાય ઓવર બ્રિજ પાસેથી બપોરે 1 વાગ્યે ભારત ગેસ કોર્મશિયલ કંપનીનો છોટા ટેમ્પા ગેસની બોટલો લઈને પસાર થઈ રહ્યો હતો.તે દરમિયાન ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળી હતી.ગેસની બોટલ ભરેલા ટેમ્પોમાં આગ લાગતા આજુબાજુ પસાર થતાં વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં ફાયર બ્રિગેડની 5 થી 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.અને બ્રિજને થોડીવાર વાહન વ્યવહાર માટે બંધ કરાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ટેમ્પો બળીને ખાક
જો કે આગમાં છોટાહાથી ટેમ્પો બળી ગયો હતો.તેમજ ટેમ્પામાંથી 25 ભરેલા ગેસના બોટલ તેમજ 24 ખાલી બોટલ બહાર કાઢયા હતા.સદનસીબે ભરેલા ગેસની બોટલમાં બ્લાસ્ટ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતો. જો કે ટેમ્પો ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.ટેમ્પો(જીજે 05 બીએક્સ 7541)નો ડ્રાઇવર ભાગી ગયો હતો. ટેમ્પાનો કબજો કાપોદ્રા પીઆઇને સોંપી દેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.