દુર્ઘટના:સુરત ONGCના ટર્મિનલમાં વિસ્ફોટ સાથેની આગ કાબૂમાં, કરોડોના નુકસાનનો અંદાજ, 1નું મોત, આસપાસનું તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું

સુરત2 વર્ષ પહેલા
ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી રહી છે.  - Divya Bhaskar
ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી રહી છે. 
  • સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાં જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા
  • આગ કાબૂમાં આવતાં પાલિકાનું ફાયરબ્રિગેડ પરત મોકલી દેવામાં આવ્યું

હજીરા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં મોડી રાત્રે અઢી વાગ્યે ઓટોમેટિક પ્લાન્ટની ચેમ્બરમાં સ્પાર્ક થયો હતો. ગેસ લીકેજને કારણે વહેલી સવારે 3 વાગ્યા ને 15 મિનિટની આસપાસ ત્રણ વિસ્ફોટ થયા હતા. આ ધડાકાથી આગ લાગી ગઈ હતી. આગને પગલે પ્લાન્ટમાં કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. આગ વખતે થયેલા ધડાકાઓથી આસપાસના ગામવાસીઓ સાથે શહેરીજનો ધ્રૂજી ગયા હતા અને ઘર બહાર નીકળી ગયા હતા. ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી હતી. ત્રણ વ્યક્તિ ગુમ થઈ હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.જ્યારે કંપનીની બહાર ઝૂપડામાં રહેતા એકનું દાઝી જવાથી મોત થયું છે. ઉભરાટ પાસે ગેસલાઈનનો વાલ્વ બંધ કરી દેવાતાં અંદાજે ચાર-પાંચ કલાક બાદ પાઈપમાં રહેલો ગેસ ચીમની વાટે સળગાવી દઈને આગ પર કાબૂ મેળવાયો છે. ચીમનીમાંથી ગેસ સળગાવતાં આસપાસનું તાપમાન 50 ડિગ્રી જેટલું થયું હતું. સમગ્ર દુર્ઘટનામાં ઓએનજીસી દ્વારા કોઈ જાનહાનિ ન થઈ હોવાનું કહેવામાં આવ્યું છે.

પાઈપમાં રહેલા ગેસના જથ્થાને સળગાવવા માટે ચીમનીનો ઉપયોગ કરવામાં આવતાં દૂર દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડા દેખાયાં હતાં.
પાઈપમાં રહેલા ગેસના જથ્થાને સળગાવવા માટે ચીમનીનો ઉપયોગ કરવામાં આવતાં દૂર દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડા દેખાયાં હતાં.

ONGCની દિવાલ બહાર રહેતા એકનું મોત ONGCની દિવાલ બહાર ઝૂપડામાં રહેતા ત્રણ વ્યક્તિમાંથી બે વ્યક્તિ નાસી ગયા હતાં. જ્યારે ભાટપોર વતની અને મજૂરી કરતો રમેશ રાઠોડ ઝૂપડું સળગતા દાઝ્યા બાદ મોતને ભેટ્યો હતો. જ્યારે બાજુના ઝૂપડામાં રહેતા અન્ય બે લોકો આગ લાગ્યા બાદ નાસી ગયા હતાં. આગનો તણખલો રમેશના ઝૂપડામાં પડ્યો હોવાથી તે દાઝીને મોતને ભેટ્યો હોય તેમ કહેવામાં આવે છે.

વડાપ્રધાને માહિતી મેળવી
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માહિતી મેળવી હતી. વડાપ્રધાનને જાણ થતાં જ ટેલિફોનિક માધ્યમથી સમગ્ર દુર્ઘટના અંગે માહિતી મેળવી હોવાનું જણાવ્યું હતું.

ચીમનીમાંથી 20 ફૂટથી વધુ આગની જ્વાળા ઉપર ઊઠી
મુખ્ય ગેસલાઈનના ગેસપ્રવાહને ચીમની તરફ વાળી દેવામાં આવ્યો હતો, જેથી ચીમનીમાંથી 20 ફૂટથી ઊંચી ગેસની જ્વાળાઓ ઉપર ઊઠી હતી, જેથી આસપાસનું નોર્મલ તાપમાન 20થી 25 ડિગ્રીની જગ્યાએ વધીને 50 ડિગ્રીથી વધુ થઈ ગયું હતું. ONGCની સામે આવેલી ગેઇલ કંપનીના ગેટ પર પણ લોકો સામું મો રાખીને ઊભા ન રહી શકે એટલું તાપમાન વધી ગયું હતું, જેથી દુર્ઘટનાસ્થળ અને કંપનીના પ્લાન્ટમાં કેટલું તાપમાન વધ્યું હશે એ અનુમાન લગાવી શકાય છે.

આગ પર કાબૂ મેળવાયા બાદ કૂલિંગની કામગીરી વખતે પણ દૂર દૂરથી ધુમાડા દેખાતા હતા.
આગ પર કાબૂ મેળવાયા બાદ કૂલિંગની કામગીરી વખતે પણ દૂર દૂરથી ધુમાડા દેખાતા હતા.

પાઇપમાં રહેલો ગેસનો જથ્થો સળગાવી આગ પર કાબૂ મેળવાયો
મુંબઈથી સુરત આવતી ગેસપાઈપમાં ટર્મિનલ પાસે આગ લાગી હતી, જેના પર કાબૂ મેળવવા માટે ઉભરાટ પાસે આવેલા વાલ્વને બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉભરાટથી હજીરા(દુર્ઘટનાસ્થળ) સુધીના ગેસને ચીમની વાટે પ્રેશરથી સળગાવાયો હતો, જેથી પાઈપમાં રહેલો ગેસ સળગી જતાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ફાયરબ્રિગેડની ગાડીઓ પરત ફરી
માખ્ખી જાની (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે ત્રણ ફાયર સ્ટેશનની 5 ગાડી ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એટલું જ નહીં, મોટી દુર્ઘટના હોવાથી આજુબાજુની રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રીઝના ફાયર વિભાગમાંથી મદદ પણ લેવાઈ હતી. મુંબઈથી આવતી પાઇપલાઈનમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના બાદ ONGCનો ફાયર વિભાગ જ હાઇડ્રોલિક સિસ્ટમથી આગ પર કાબૂ મેળવવા કામે લાગી ગયો હતો. આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલિંગ કામગીરી પણ કરવામાં આવી છે. આગને ONGCની ચીમનીથી રસ્તો આપી દેવાયો હતો. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ પરત ફરી હતી.

પ્રચંડ ધડાકા બાદ ત્રણ વ્યક્તિ ગુમ
સુરક્ષાને ધ્યાનમાં રાખતાં મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇ વેના રસ્તાઓ બંધ કરાયા હતા. ફાયરબ્રિગેડનાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગેસ ટર્મિનલમાં આગ લાગ્યા બાદ અને પ્રચંડ ધડાકા બાદ ત્રણ વ્યક્તિ ગુમ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાંથી એક સિક્યોરિટી ગાર્ડ અને બે શ્રમિકમાં લાઈનમેન સહિતના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આગને કારણે ONGCને અબજો રૂપિયાના નુકસાનની સંભાવના
ONGCના આ પ્લાન્ટમાંથી થતો ગેસ હજીરાની ફર્ટિલાઈઝર કંપની, પાવર અને પેટ્રોલિયમ કંપનીઓ, સીએનજી ઉત્પાદક કંપનીઓ, સિરામિક કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. ભારતનાં છ રાજ્યમાં આ ગેસપાઈપલાઈન જાય છે, જેને કારણે આગથી ONGC કંપનીને અબજો રૂપિયાનું પ્રોડક્શન લોસ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સુરતમાં ઘરના ધાબા અને અગાશીઓ પરથી આગની જ્વાળાઓ દેખાઈ રહી છે.
સુરતમાં ઘરના ધાબા અને અગાશીઓ પરથી આગની જ્વાળાઓ દેખાઈ રહી છે.

આગ બાદ લોકોને સલામત બહાર કઢાયા
ધડાકા બાદ ONGCના ફાયર વિભાગની 10થી 12 ગાડી અને સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ આગને કાબૂમાં લેવા માટે પહોંચી છે. 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાં જવાના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પોલીસની ગાડીઓ પણ પ્લાન્ટ તરફ રવાના થઈ છે. દુર્ઘટનાસ્થળેથી પણ લગભગ તમામ કોન્ટ્રેક્ટના કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળ તરફ રવાના.
પોલીસનો કાફલો ઘટનાસ્થળ તરફ રવાના.

લોકોમાં ડર ફેલાયો
મુંબઈથી દરિયાઈ માર્ગે આવતી ગેસપાઇપલાઇનના માધ્યમથી ONGCના આ (એક) પ્લાન્ટમાં ગેસપુરવઠો સંગ્રહ કરાતો હતો, જેમાં ત્રણ બ્લાસ્ટ ઉપરાઉપરી થતાં અફરાતફરી મચી ગઈ હતી એવું જાણવા મળ્યું છે. આ ગેસપાઇપલાઇન 240 કિલોમીટર લાંબી છે. આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી લોકોનાં ઘરની ગેલેરી અને ધાબા પરથી જોવા મળતાં ડરનો માહોલ પેદા થયો હતો.

આગ બુઝાવવાના પ્રયત્ન કરી રહેલા ફાયરબ્રિગેડના કર્મચારીઓ.
આગ બુઝાવવાના પ્રયત્ન કરી રહેલા ફાયરબ્રિગેડના કર્મચારીઓ.

હાલ કોઈ જાનહાનિ સર્જાઈ નથી: કલેક્ટર
સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગેસ લીકેજ બાદ આગ લાગી છે. હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ થઈ હોય એવું સામે આવ્યું નથી. રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

ONGC કંપની આગળ લોકોનાં ટોળાં ઊમટ્યાં.
ONGC કંપની આગળ લોકોનાં ટોળાં ઊમટ્યાં.

ડુમસ, ભીમપોર, ગવીયર, ભાટપોર સહિતના કાંઠા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ONGCમાં કાયમી અને કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. દુર્ઘટના બાદ અઢીથી ત્રણ કલાકમાં 50 ટકા જ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ONGCના ગેટ આગળ આગની જ્વાળાઓ.
ONGCના ગેટ આગળ આગની જ્વાળાઓ.

હજીરામાં ONGC પ્લાન્ટ 19 કિ.મી.માં પથરાયેલો છે
સુરતના હજીરા ખાતે આવેલો ONGC કંપનીનો પ્લાન્ટ આશરે 640 હેક્ટરમાં છે. તેનો વિસ્તાર 19 કિ.મી. સુધી પથરાયેલો છે. ONGC કંપની દ્વારા LPG, નેપ્થા, એસકેઓ, ATF, એચએસડીએન પ્રોપ્રેન બનાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...