સુરત શહેરને સ્વચ્છતામાં નંબર 1 લાવવા માટે મનપાએ હવે કમર કસી છે. જાહેરમાં થૂંકીને તેમજ જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આજદિન સુધીમાં મનપાએ શહેરમાં જાહેરમાં થૂંકતા તેમજ ગંદકી કરતા 18 હજાર લોકો પાસેથી સવા બે લાખનો દંડ પણ વસુલ્યો છે.
જાહેરમાં ગંદકી કરનારાઓને દંડ
જાહેરમાં થૂંકીને શહેરમાં ગંદકી કરનારાઓ સામે સુરત મનપા હવે કડકાઈ દાખવશે. શહેરમાં જ્યાં ને ત્યાં ગંદકી કરતા અને થૂંકતા લોકો સામે કડક નજર રાખવા માટે કેમેરાની મદદથી લોકોને દંડ કરવામાં આવી રહ્યો છે. હાલ શહેરમાં 2600 જેટલા કેમેરા થકી મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વધુ 700 જેટલા કેમેરા ઇન્સ્ટોલ કરીને આ કાર્યવાહી વધુ સઘન બનાવવાશે. તેમજ આગામી 1 લી એપ્રિલથી મનપા દ્વારા શહેરમાં ગમે ત્યાં થૂંક્નારાઓ સામે કડક રીતે દંડની કામગીરી અમલમાં મુકશે. આજદિન સુધી મનપાએ જાહેરમાં થૂંક્નારા તેમજ ગંદકી કરનારા 18 હજાર લોકો પાસેથી સવા બે લાખનો દંડ વસુલ્યો છે. આવા લોકોના વીડિયો સાથે ઝોન કક્ષાએ મોકલીને આરોગ્ય વિભાગ દ્વારા આવા લોકોને ઝડપીને તેમની પાસેથી સવા બે લાખનો દંડ વસુલ કરાયો છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં માટે કડકાઈ
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગર પાલિકાએ બીજા ક્રમે હેટ્રિક કરી છે. સુરત અન્ય શહેરો કરતા સ્વચ્છ હોવા છતાં કેટલાક બેજવાબદાર લોકોના કારણે પહેલા નબર પર આવી શકતું નથી. શહેરમાં સૌથી મોટું દુષણ નદી પરના ફ્લાય ઓવર બ્રીજ પર પાન મસાલાની પિચકારીની ગંદકીનું છે ત્યારે આરટીઓ સાથે સંકલન કરીને ગંદકી કરનારા વાહનના નબરના આધારે ઓળખ કરીને ઘરે જઈને 500 રૂપિયાનો દંડ પણ વસુલ કરાશે. આગામી 1 એપ્રિલથી ગંદકી કરનારા સામે કડક કર્યાહી કરવામાં આવશે.
આરટીઓની મદદ લઈને પણ કાર્યવાહી થશે: મેયર
મેયર હેમાલીબેન બોઘવાલાએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરત અભિયાન હેઠળ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે તેમજ શહેરના જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે પણ આ પહેલ કરવામાં આવી છે. વિશેષ કરીને જાહેરમાં થૂંકતા અને જાહેરમાં ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવા મનપા અને પોલીસ સાથે સંકલન કરીને શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા થકી દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ 1 લી એપ્રીલથી આરટીઓ સાથે સંકલન કરીને વાહનના નબરના આધારે ઓળખ કરીને ઈ-મેમો ફટકારવામાં આવશે. હાલમાં 18 હજારથી વધુ લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે છે. મને આશા છે કે, આગામી સમયમાં આ આંકડો ઘટશે અને લોકો શહેરને સ્વચ્છતામાં નંબર 1 બનાવવામાં સહકાર આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.