ક્રાઇમ:ભટારની વિદ્યાભારતી સ્કૂલના લેડીઝ ટોઇલેટમાંથી ભ્રૂણ મળ્યું

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુનો દાખલ, સ્ટાફની પૂછપરછ કરાશે

ભટારની વિદ્યાભારતી સ્કૂલમાં અંગ્રેજી મીડીયમના લેડીઝ જનરલ ટોઇલેટમાંથી 3 થી 4 મહિનાનું ભ્રૂણ મળી આવ્યું છે. સ્કૂલમાંથી ભ્રૂણ મળી આવતા ખટોદરા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. સ્કૂલમાંથી ભ્રૂણ મળવાની સુરતમાં આ પહેલી ઘટના બની છે.

ભટારની વિદ્યાભારતી સ્કૂલમાં 29મી તારીખે બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં લેડીઝ જનરલ ટોઇલેટમાં મહિલા સાફ-સફાઇ કરવા માટે ગઈ હતી. આ દરમિયાન ટોઇલેટમાંથી ભૃણ મળી આવ્યું હતું. ભ્રૂણ જોઇ મહિલાકર્મીએ સ્કૂલના સ્ટાફને આ બાબતે જાણ કરી હતી. પછી સ્કૂલના મેનેજરે પોલીસને જાણ કરી હતી. ખટોદરા પોલીસે સ્કૂલના મેનેજર જીતેન્દ્રકુમાર પાંડેની ફરિયાદ લઈ અજાણી મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, અંગ્રેજી મીડીયમની સ્કૂલમાં લેડિઝ જનરલ ટોઇલેટમાંથી આ ભ્રૂણ મળી આવ્યું હતું.

આ ટોઇલેટમાં દિવસમાં બે વખત સાફ-સફાઇ કરવામાં આવે છે. સવારે મહિલાકર્મીએ સફાઇ કરી ત્યારે ટોઇલેટમાં ભ્રૂણ ન હતું. બપોર પછી મહિલા પાછી લેડિઝ ટોઇલેટની સફાઇ કરવા ગઈ ત્યારે ભ્રૂણ મળી આવ્યું હતું. આ ટોઇલેટનો ઉપયોગ વિદ્યાર્થિનીઓ, સ્કૂલનો લેડીઝ સ્ટાફ ઉપરાંત બહારથી વિદ્યાર્થીનીઓને લેવા આવતી મહિલાઓ દ્વારા પણ કરવામાં આવે છે. ભ્રૂણ બાબતે અજાણી મહિલાની ભાળ મેળવવા માટે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. એ સાથે જ આ બાબતે પોલીસ દ્વારા સ્કૂલના સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...