કાર્યવાહી:સુરત રેલવે સ્ટેશને મહિલા બુકિંગ કલાર્ક રદ થયેલી ટિકીટ ફરીથી વેચતી હતી

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૌભાંડનો વીડિયો વાઇરલ થતાં સચિન સ્ટેશને બદલી

સુરત રેલવે સ્ટેશન ઉપર રદ્દ કરાયેલી ટિકીટને ફરીવાર વેચી દઇને વધારાના રૂપિયા ગજવામાં ઘાલવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતથી વાપી જતી ટ્રેનની ચાલુ ટિકીટને કેન્સલ કરાવીને આ ટિકીટ સિસ્ટમમાં ચઢાવ્યા વગર જ તેની રકમ ગજવામાં નાંખી દેનાર આ મહિલા બુકીંગ ક્લાર્ક વિશે ફરિયાદ મળતા રેલ વિભાગે આ કર્મચારીને સુરત સ્ટેશનથી સચીન સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દીધી હતી.પ્રાપ્ત વિગતો મુજબ એક દિવસ પહેલા સવારના સમયે સુરત રેલવે સ્ટેશને એક પેસેન્જરે વાપીની ત્રણ ટિકીટ ખરીદી હતી, આ ટિકીટના રૂા.195 થયા હતા, પેસેન્જરે 200 રૂપિયા આપ્યા હતા પરંતુ ટિકીટ ક્લાર્કે 5 રૂપિયા પણ પરત આપ્યા ન હતા.

આ ટિકીટ કેન્સલ તો કરી નાંખી પરંતુ તેને સિસ્ટમમાં અપડેટ કરી ન હતી અને આ ટિકીટ સાઇડમાં મુકીને બીજા મુસાફરને વેચી દેવામાં આવી હતી. મહિલા કર્મચારીએ કરેલા આ કૌભાંડનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરીને ફરિયાદ કરાઇ હતી. રેલવે અધિકારીએ આ અંગે તપાસ કરતા મહિલા કર્મચારીનું નામ હંસા હતુ અને તેની બદલી સુરત રેલવેસ્ટેશનથી સચીન રેલવે સ્ટેશન ઉપર કરી દેવાઇ હોવાનું ટિકીટ સુપરવાઇઝરે જણાવ્યું હતું.

‘અમને સોશિયલ મીડિયા થકી ફરિયાદ મળી હતી’
સુરત રેલવે સ્ટેશનના બુકિંગ સુપરવાઇઝર રાજેન્દ્ર વલવીએ જણાવ્યું હતું કે ટ્વિટર મારફતે આ ફરિયાદ અમને મળતા અમે બુકિંગ ક્લાર્ક હંસાની સુરતથી સચિન રેલવે સ્ટેશન ઉપર બદલી કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...