સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબ અને મેડિકલ ઓફિસર વચ્ચે અવાર નવાર દર્દીને દાખલ કરવા બાબતે વિવાદ થતો હોય છે. ગુરૂવારે પેરાલીસીસના દર્દીને દાખલ કરવા મામલે ફરી વિવાદ સર્જાયો હતો. જેમાં ન્યુરોફિઝીશ્યને મેડિકલ ઓફિસરના મોઢા પર કેસ પેપર ફેંકી ઉદ્ધત વર્તન કર્યાનો મેડિકલ ઓફિસરોએ આક્ષેપ કરવાની સાથે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.
સિવિલના ટ્રોમા સેન્ટરમાં ગુરૂવારે પેરાલિસિસનો દર્દી રમણ વસાવાને લવાયો હતો. દર્દીને મેડિકલ ઓફિસરે મેડિસીન વિભાગમાં રિફર કર્યો હતો. સવારે 10 વાગ્યે આવેલા આ દર્દીને એક કલાક રઝળાવી મેડિસીનના તબીબે ન્યુરો વોર્ડમાં દાખલ કરાયો હતો.
દરમ્યાન ન્યુરોફિઝીશ્યન ડો. પરેશ ઝાંઝમેરાએ ટ્રોમામા આવી સીએમઓ ડો.દિનેશ મંડલ સાથે ગેરવ્યવહાર કરી કેસ પેપર ત્યાં નાંખી દર્દીને સારવાર નહી આપવામાં આવે તેમ કહેતા વાત વણસી હતી. ન્યુરો ફિઝિશિયન દ્વારા કરાયેલા ગેરવર્તન બાદ મેડિકલ ઓફિસરો રોષે ભરાયા હતા. જો પગલા ભરવામાં નહી આવે તો શુક્રવારથી મેડિકલ ઓફિસરોએ હડતાળ પર જવાની ચીમકી આપી હતી.
કેસ પેપર મોઢા પર ફેંક્યા નથી - ડો. પરેશ ઝાંઝમેરા
ડો.પરેશ ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે દર્દીને ઈમરજન્સીમાં દાખલ કરવાની ઉતાવળમાં સિટીસ્કેન સહિતના નિદાન વગર દાખલ કરવામાં આવે છે અને ત્યાર બાદ નિદાન થાય ત્યારે તે દર્દીને ખરેખર અન્ય વિભાગમાં સારવારની જરૂર હોય તેવું બને છે. આ બાબતે ઘણી વખત રજુઆત કરી છે પણ નિવેડો નથી આવતો જેથી ત્યાં ગયો હતો. કેસ પેપર ટેબલ પર મુક્યા હતા મોઢા પર માર્યા નથી. નિદાન બાદ જો દાખલ કરવામાં આવે તો આવી સમસ્યા ન થાય.
ડીનને જાણ કરી આ બાબતે પગલા ભરવામાં આવશે
ન્યુરોફિઝીશ્યન ડીનના અંડરમાં હોવાથી તેમને જાણ કરી ન્યુરોફિઝીશ્યન- સીએમઓનો પક્ષ જાણ્યા બાદ પગલા ભરવામાં આવશે.> ડો. ગણેશ ગોવેકર, સુપ્રિન્ટેન્ડેન્ટ, નવી સિવિલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.