• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Defamation Complaint Was Registered At Surat's Umra Police Station After AAP's State President Addressed Gujarat Minister Of State For Home Harsh Sanghvi As 'drugs' Sanghvi.

ઇટાલિયાએ ગૃહમંત્રીને કહ્યા 'ડ્રગ્સ સંઘવી':AAPના પ્રદેશ અધ્યક્ષ સામે સુરતમાં બદનક્ષીની ફરિયાદ, ભાજપ પ્રદેશ પ્રમુખને પણ 'બૂટલેગર' કહ્યા હતા

સુરતએક મહિનો પહેલા
  • બદનક્ષી કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી

આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સતત શાબ્દિક પ્રહારો થઈ રહ્યા છે. સુરતમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઈટાલિયાએ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ 'બૂટલેગર' તરીકે સંબોધન કર્યું હતું.

ગોપાલ ઇટાલિયા સામે ફરિયાદ
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પોતાની જનસભામાં સંબોધતા કે સોશિયલ મીડિયા ઉપર જ્યારે લોકો સાથે સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેમણે નેતાઓ ઉપર પ્રહારો કરતા એવા શબ્દો બોલી નાખ્યા હોય છે કે જેને લઈને રાજકારણમાં ગરમાવો આવી જતો હોય છે. ગોપાલ ઇટાલિયા દ્વારા ભૂતકાળમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અંગે પણ 'બૂટલેગર' સંબોધનના કારણે રાજકીય રીતે ખૂબ જ માહોલ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા દ્વારા ફરી એક વખત હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બદનક્ષીની ફરિયાદ થતાં માહોલ ગરમાયો
જે રીતે ગુજરાતની અંદર સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેના કારણે રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવાની તક છોડતા નથી. આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શિક્ષણના મુદ્દે, કાયદા વ્યવસ્થાના મુદ્દે, દારૂના વેચાણ મુદ્દે અને ડ્રગ્સના વેચાણને લઈને સતત પ્રહારો કરતી રહે છે. ગોપાલ ઇટાલિયાએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું કે રાજ્યના ગૃહમંત્રી 'ડ્રગ્સ સંઘવી'નો ઉપયોગ કરતા હવે તેમની સામે કાયદાકીય લડત શરૂ થઈ છે. પ્રતાપ જીરાવાલા નામના વ્યક્તિએ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ કરી છે.

ગૃહ રાજ્યમંત્રી સામે બોલાયેલા શબ્દને લઈને ફરિયાદ: જોઈન્ટ પોલીસ કમિશનર
સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ગોપાલ ઇટાલિયા દ્વારા રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને હર્ષ સંઘવીને બદલે 'ડ્રગ્સ સંઘવી' કહેતા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદીએ હર્ષ સંઘવી માટે બોલાયેલા શબ્દને લઈને ફરિયાદ દાખલ કરાવી છે. ઉમરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અક્ષરશઃ ફરિયાદ
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' કહેતા સુરતમાં રહી સોના-ચાંદીના દાગીના બનાવવાનો વેપાર ઘંઘો કરતા પ્રતાપભાઈ ચોડવડિયા(જીરાવાલા)એ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, 2012થી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે સમાજસેવાના કામ કરતો આવેલ છું. ગત 30 ઓગસ્ટના રોજ સીમાડા નાકા ખાતે મનોજ સોરઠિયા ઉપર કેટલા ઈસમોએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાનો બનાવ બનેલ છે. જે બનાવને અમો તથા સંમગ્ર ભારતીય જનતા પાર્ટીએ વખોડી કાઢેલ છે. અને આ બનાવની તટસ્થ તપાસ થવી જોઈએ અને આ બનાવમાં સંડોલાયેલા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ એવો અમારો અભિગમ છે.

ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કૃત્ય
પરંતુ આ બનાવને લઈ આ બનાવ બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો વાઇરલ કરેલ છે. જેમાં ગોપાલ ઈટાલિયા આમ જનતાને સંબોધીને આ કહેવાતી ઘટના બાબતે કોઈપણ જાતના આધાર પુરાવા વગર ભારતીય જનતા પાર્ટીને લુખ્ખાઓ-ગુંડાની પાર્ટી છે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. મનોજ સોરઠિયા ઉપરનો હુમલો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ગુંડાઓ દ્વારા આચરવામાં આવેલાની ખોટી જાહેરાત કરી ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનું કૃત્ય કર્યું છે.

રાજકિય સ્તરે મોટું સ્વરૂપ આપવાનું કૃત્ય
આ વીડિયોમાં ગોપાલ ઈટાલીયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને 'બૂટલેગર' તથા ગુજરાત રાજ્યના મંત્રી હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' જેવા શબ્દોનો ઉપયોગ કરી તેઓની વ્યક્તિગત પ્રતિષ્ઠાને તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીને હાની પહોંચાડવાના ઈરાદાથી આ ખોટો ઈલેક્ટ્રોનિક વીડિયો લાઇરલ કરી ગોપાલ ઈટાલીયા દ્વારા જાહેર જનતાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ઉપર એકઠાં થવા અપીલ કરવામાં આવેલ. આ રીતે ગોપાલ ઈટાલીયા દ્વારા આ બનેલ બનાવને રાજકિય સ્તરે મોટું સ્વરૂપ આપવાનું કૃત્ય કરેલ છે.

અપમાનજનક અને બદનક્ષીકારક શબ્દનો વારંવાર પ્રયોગ
તેઓ પોતાના આ વાઇરલ વીડિયોમાં 'લોહીના એક એક ટીપાનો હિસાબ લઈશું' તથા 'બેટાઓ કરી લ્યો હુમલા, ચૂંટણી સુધી હુમલા કરી લ્યો. ચૂંટણી પછી નાની યાદ કરાવી દેવાની છે' તથા 'એક એક લોહીના ટીપાનો બદલો અને હિસાબ લેવામાં આવે' જેવા ઈરાદાપૂર્વકના ઉશ્કેરણી જનક વક્તવ્યથી જાહેર જનતામાં ગેર સમજ પેદા થાય અને તે થકી કોઈ વ્યક્તિ જાહેર સુલેહ-શાંતી વિરુદ્ધનો ગુનો કરી બેસે તેવું જાણવા છતાં તેઓ દ્વારા આ વીડિયો વાઇરલ કરી પોતાનો રાજકીય હેતુ સિધ્ધ કરવા અને બદનક્ષી કરવાના આશયથી ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા-હોદ્દેદારો વિશે ભાજપના લુખ્ખાઓ-ગુંડાઓ જેવી ગાળો બોલી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિશે 'બૂટલેગર' તથા ગુજરાત રાજ્યના મંત્રી હર્ષ સંઘવી વિશે 'ડ્રગ્સ સંઘવી' જેવા અપમાનજનક અને બદનક્ષીકારક શબ્દનો વારંવાર પ્રયોગ કરેલ છે.

ટાર્ગેટ કરી વિવાદિત નિવેદનો કરવા ટેવાયેલા
ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા ગુજરાત રાજ્યના મંત્રી હર્ષ સંઘવી કાર્યશીલ અને ઉચ્ચ હોદ્દા ધરાવતા તેમજ સન્માનિય વ્યક્તિ છે. જેઓ અમો ફરિયાદી સહિત ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અનેક યુવા નાના-મોટા કાર્યકરો તથા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલા નાગરિકોના આદર્શ છે. આ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપા ઈટાલીયા આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાનું સમર્થન મળે તે માટે અવાર-નવાર ભાજપના સતાધારી વ્યક્તિ-પદાધિકારી-હોદ્દેદારોને ટાર્ગેટ કરી વિવાદિત નિવેદનો કરવા ટેવાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...