બાકી પેમેન્ટની સમસ્યાને કારણે સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા પેમેન્ટધારો બદલીને 30 દિવસનો કરાયો છે. પરંતુ બીજી તરફ વેપારીઓ અને સંગઠનો દ્વારા સૂચનો અપાયા છે તેના પર વિચારણા કરવા માટે સંસ્થા દ્વારા સોમવારના રોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, વેપારીઓને રાહત અપાશે.
મિલોની હાલત કથળી રહી છે, ત્યારે પેમેન્ટધારો પણ વધારે હોવાને કારણે પ્રોસેસિંગ મિલોને અસર થઈ રહી છે. જેને લઈને સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા પેમેન્ટધારો 30 દિવસનો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સુરક્ષિત વેપાર કરવા માટે મિલો દ્વારા વેપારીઓને સમજાવવામાં આવ્યા હતાં.
સંસ્થાની એરિયા વાઈઝ ટીમ દ્વારા કાપડ વેપારીઓને સમજાવીને તેમની પાસેથી સૂચનો પણ મેળવ્યા હતાં. તેના પર ચર્ચા વિચારણા કરવા સોમવારે સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશને કારોબારી સમિતિની બેઠક યોજી છે. વેપારીઓ જો 30 દિવસના ધારામાં પેમેન્ટ ચૂકવે તો મિલમાલિક કયો લાભ કે રાહત આપશે એવી માંગ કરી હતી. જેના અનુસંધાનમાં પ્રોસેસર્સ એસોસિએશન જાહેરાત કરશે.
DGVCL 45 લાખ ડિપોઝિટ મુકાવે છે: વખારિયા
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન(SGTPA)ના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ કહ્યું હતું કે, ‘જો યોજનાબદ્ધ અને ગણતરીથી કામ કરાશે નહીં તો મિલો બંધ થવાની સ્થિતિ થશે. ડિજીવીસીએલને પણ મિલો પર વિશ્વાસ નથી. દોઢ મહિનાની વિજળી સાયકલમાં 45 લાખ ડિપોઝિટ લે છે. પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ દ્વારા પણ એડવાન્સમાં પેમેન્ટ માંગવામાં આવી રહ્યા છે. અનેક કારણે પેમેન્ટ ધારો 30 દિવસનો કરવાનો નિર્ણય કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.