તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Convoy Of 100 Cars Passed In Front Of Surat Collectorate, Writing On The Banner Affixed To Each Car Start Band Baja Barat

અનોખો વિરોધ:સુરત કલેક્ટર કચેરી સામેથી પસાર થયો 100 કારનો કાફલો, દરેક કાર પર લગાવેલા બેનર પર લખ્યું- શરૂ કરો બેન્ડ-બાજા-બારાત

સુરત8 મહિનો પહેલા
ઈવેન્ટ અને વેડિંગ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો. - Divya Bhaskar
ઈવેન્ટ અને વેડિંગ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો.
  • ઇવેન્ટ, મંડપ એન્ડ ઇલેક્ટ્રોનિક, કેટરિંગ સાથે સંકળાયેલા લોકોએ કલેક્ટરને આવેદન પત્ર
  • ઘડી ઘડીએ બદલાઈ રહેલા નિયમોના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

કોરોના મહામારીના કારણે સુરત શહેરના ઇવેન્ટ, મંડપ એન્ડ ઇલેક્ટ્રોનિક, કેટરિંગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી છિનવાઈ ગઈ છે. છેલ્લા 8 મહિનાથી ધંધો બંધ છે. ત્યારે હવે લગ્નની સિઝન આવી છે ત્યારે 100 લોકોની મર્યાદા કરાતા લગ્નો કેન્સલ થવાની શરૂઆત થઈ ગઈ છે. જેને લઈને ઇવેન્ટ, મંડપ એન્ડ ઇલેક્ટ્રોનિક, કેટરિંગ સાથે સંકળાયેલા લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી સામેથી 100 કારનો કાફલો પસાર કરવામાં આવ્યો હતો. જેમાં બાઈક પણ જોડાઈ હતી. તમામ કાર પર બેનરો લગાવવામાં આવ્યા હતા. જેના પર સેવ ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી, સેવ વેડિંગ ઈન્ડસ્ટ્રી, શરૂ કરો બેન્ડ-બાજા-બારાત સહિતના સ્લોગનો લખ્યા હતા.

આ પણ વાંચોઃ કોરોનાને કારણે 2000 લગ્ન કેન્સલ થશે, કેટરિંગના 1500 અને હોટલના 1000 બુકિંગો પણ રદ કરાયા

ઈવેન્ટ અને વેડિંગ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ અનોખો વિરોધ કર્યો.
ઈવેન્ટ અને વેડિંગ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ અનોખો વિરોધ કર્યો.

પ્રથમ લોકડાઉનથી ઓકટોબર સુધીમાં અંદાજે 1200 કરોડ રૂપિયાનું નુકશાન
કલેક્ટરને આપવામાં આવેદન પત્રમાં લખવામાં આવ્યું છે કે, કેટરિંગ, મંડપ, લાઈટ, LED આર્ટીસ્ટ , ઇવેન્ટ મેનેજર, સાઉંન્ડ, લાઈટીંગ, હોટેલ, બેન્કવેટ તથા ફોટોગ્રાફર અસોસીએશનના સુરત તેમજ સાઉથ ગુજરાતના મેમ્બરો છે. જેને ગત પ્રથમ લોકડાઉનથી ઓકટોબર-2020 સુધીમાં અંદાજે 1200 કરોડ રૂપિયાનું નુકશાન થયેલ છે. આ બાબતે આપ કલેક્ટર કચેરી તેમજ સરકારને વાંરવાર રજૂઆત પછી પણ આ ઇન્ડસ્ટ્રી પ્રત્યે સરકારની રહેમ દ્રષ્ટી પ્રાપ્ત થઇ નથી. આ ઇન્ડસ્ટ્રીના અસંખ્ય લોકોએ આજીવિકા ગુમાવી છે અને ધંધાર્થીઓને પણ સતત નુકશાન થઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ સુરતમાં લગ્નપ્રસંગોમાં 100 લોકોની કરાયેલી મર્યાદા વધારવા માંગ

સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કારમાં વિરોધ કર્યો.
સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કારમાં વિરોધ કર્યો.

7 લાખથી વધુ વ્યક્તિઓનું ગુજરાન ચલાવવું ખુબ જ મુશ્કેલ
કોવિડના કારણે સરકારના વારંવારના બદલાતા નિયમોના કારણે ઈવેન્ટ ઇન્ડસ્ટ્રીઝના માણસોનું માનસિક મનોબળ તૂટી રહ્યું છે. સુરત તથા દક્ષિણ ગુજરાતની 1.50 લાખથી વધુ કંપનીઓ અને 7 લાખથી વધુ વ્યક્તિઓ સંકળાયેલી છે. આ વ્યક્તિઓના ગુજરાન ચલાવવા ખુબ જ મુશ્કેલ થઈ પડેલ છે. જેનું કારણ સરકારના કોલિડ અંગેની ગાઈડલાઈન માં વારંવાર થતા ફેરફારોના લીધે છે. કોવિડ માટેના વારંવાર બદલાતા સરકારના નિર્ણયો ઈવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે નુકશાનકારક છે. વેડિંગ ઇન્ડસ્ટ્રી મૃતપાય થવા તરફ જઈ રહી છે. અને સદર ઇન્ડસ્ટ્રીનો મૃત્યુઘંટ વાગી જાય તેમ છે, વારંવારની રજૂઆતો છતાં પણ તેના અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા આ ઇન્ડસ્ટ્રી વિરોધ કરવા તરફ આગળ વધી રહી છે.

આ પણ વાંચોઃ સુરતમાં માર્ચ મહિનાથી નવરાધૂપ બેઠેલા લગ્ન સાથે સંકળાયેલા ધંધાર્થીઓને દિવાળી બાદની સિઝનમાં પણ ભયંકર નૂકસાન વેઠવું પડ્યું

કાર પર બેનરો લગાવી પોતાની વ્યથા વ્યક્ત કરી.
કાર પર બેનરો લગાવી પોતાની વ્યથા વ્યક્ત કરી.

કોવિડના વારંવાર બદલાતા નિયમોના કારણે મુશ્કેલી સર્જાઈ
કોવિડના વારંવાર બદલાતા નિયમોના કારણે ગ્રાહક વર્ગ સાથેના સંબંધો બગડી રહ્યા છે અને ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ બીજા રાજ્યોમાં જઈ રહ્યો છે ,જેના કારણે પારાવાર નુકશાન થઇ રહ્યું છે. વેડિંગ ઇન્ડસ્ટ્રીને કોવિડના નિયમોમાં ભેદભાવ શા માટે...?? શહેરમાં આવેલા શોપિંગ મોલ, ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઓ વગેરે ઇન્ડસ્ટ્રીમાં કામકાજ હેતુ તદ્દન અજાણી ઘણી બધી વ્યક્તિઓ એક સાથે એકત્રિત થાય છે અને વેડિંગ જેવા કાર્યક્રમોમાં કોવિડના નિયમો મુજબ યોગ્ય માર્ગદર્શન નથી અને વારંવાર બદલાતા નિર્ણયોને લીધે યોગ્ય પ્રોગ્રામ કરી શકાતા નથી અને તે અંગે અમોને નિયમોમાં ભેદભાવ થાય છે એવું લાગી રહ્યું છે.

કોવિડના નિયમોમાં વારંવાર થતા ફેરફારોના બદલે સ્થિર નિર્ણયોની અપેક્ષા
આજ સુધી જેટલા સરકારી કાર્યક્રમના સમયે લોકડાઉન હોવા છતાં અમારી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બધી જ સવલતોની સેવાઓ જેવી કે મંડપો, લાઈટીંગ, સાઉંન્ડ, કેટરીંગ વગેરે પુરા પાડેલ હતા. કલાકારો સોશિયલ મીડિયા ઉપર કોવિડથી ગભરાયેલ લોકોના મનોરંજન માટે કાર્યક્રમો પણ કર્યા હતા. આ સેવાઓ અમારી ફરજ તરીકે નિભાવી છે. આ સેવાઓના બદલામાં વેડિંગ ઇન્ડસ્ટ્રીઝને કોવિડના નિયમોમાં વારંવાર થતા ફેરફારોના બદલે સ્થિર નિર્ણયોની અપેક્ષા રાખીએ છીએ.

અચાનક લાદેલ કર્ફ્યૂથી અસંખ્ય સામાજીક કાર્યક્રમો રદ થયા
200થી 100 વ્યક્તિઓને પ્રસંગોમાં મંજુરી અને અચાનક લાદેલ કર્ફ્યૂથી અસંખ્ય સામાજીક કાર્યક્રમો રદ થઇ જવા પામેલ છે. જેનો બોજો માત્ર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના લોકોને જ નહિ પરંતુ ગ્રાહકો પર પણ પડેલ છે. તદુપરાંત ગ્રાહકો અને આ ઇન્ડસ્ટ્રીના લોકો સતત માનસિક તાણમાં આવી ગયેલ છે. આગામી 12 ડિસેમ્બર 2020 સુધીમાં ખુબ જ જુજ પ્રસંગોની તારીખો છે. દરમિયાન જો સરકાર તાત્કાલિક નિર્ણય લઇને જો કોઈ રાહત જાહેર ન કરે તો અસંખ્ય કાર્યક્રમો રદ થાય એની સંપૂર્ણ શક્યતાઓ છે. જેથી ગ્રાહક તેમજ ઇન્ડસ્ટ્રીના લોકો પર નુકશાનીનો હજુ કેટલો બોજો આવશે એનો અંદાજ માત્રથી કંપારી છૂટે તેમ છે.