IT ​​​​​​​ટ્રિબ્યુનલનો ચુકાદો:નોટબંધીની રાત્રે શહેરમાં થયેલા સોનાના 100 કરોડના આર્થિક વ્યવહારને ક્લીનચીટ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક જ રાતમાં 1000 કરોડનું સોનું વેચાયાનો અંદાજ હતો

2016 દરમિયાન કેન્દ્રની મોદી સરકારે રાતોરાત લાદી દીધેલી નોટબંધીની રાત્રે સુરતમાં વેચાયેલાં કરોડો રૂપિયાના સોનાના કેસમાં શહેરભરના જવેલર્સને રાહત આપતો ચુકાદો વિશાખાપટ્ટનમ આઇટી ટ્રિબ્યુનલે આપ્યો છે. નોટબંધીની રાત્રિનું વેચાણ યોગ્ય હોવાનો નિર્દેશ કરીને ટ્રિબ્યુનલે અધિકારીઓએ લાદી દેવાયેલી ટેક્સ અને પેનલ્ટી એકઝાટકે ઉડાવી દીધી છે, જેથી સુરતના અ્નેક સેંકડો જ્વેલર્સના માથે લટકતી 100 કરોડ રૂપિયાની તલવાર હાલ પુરતી દુર થઈ ગઈ છે.

આ અંગે શહેરના સી.એ. પ્રજ્ઞેશ જગાશેટ કહે છે કે, આઇટી ડિપાર્ટમેન્ટ આઇટી ટ્રિબ્યુનલના આ નિર્ણય સામે હવે હાઇકોર્ટમાં જઇ શકે છે. જો કે, ત્યાં સુધી તો દેશભરના લાખો જ્વેલર્સને મોટી રાહતના સમાચાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નોટબંધીની રાતે ઝવેરીઓને ત્યાં કતારો લાગી ગઈ હતી.

શું હતો મામલો: નોટબંધીની રાતે જ્વેલર્સે 2 લાખથી નીચેના બિલ બનાવ્યા હતા
નોટબંધીને કારણે ફફડી ઊઠેલા હજારો લોકોએ રાતોરાત દોડધામ કરી જૂની નોટ સામે કરોડો રૂપિયાનું સોનું ખરીદી લીધું હતું. જેના પર બાદમાં આઇટીએ બિલોરી કાચ મૂકીને જ્વેલર્સે 2 લાખથી નીચેના બિલ બનાવીને માલ વેચ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. સમગ્ર મામલો આઇટી અપીલ અને આઇટીએટી સુધી પહોંચ્યો હતો. હજી સુરતમાં આવા 15થી વધુ કેસ ચાલી રહ્યા છે.

સોનાનો 25થી 35 હજાર ભાવ બોલાયો હતો
આ સમયગાળામાં અને કાસ કરીને નોટબંધીની રાત્રે હજારો સુરતીઓએ 25થી લઇને 35 હજારના ભાવે ફટાફટ સોનું ખરીદ્યું હતું. સમય જતાં સોનાનો ભાવ 55 હજાર થયો ત્યારે ઘણાએ વેચી પણ દીધું હોવાનું બાદમાં સામે આવ્યું હતું.

તમામ કેસ ફરી ખુલી પણ શકે: સીએ સૂત્રો
આ અંગે શહેરના સી.એ. સૂત્રો કહે છે કે, આઇટી ટ્રિબ્યુનલનું આ જજમેન્ટ રજૂ કરીને હાલમાં રાહત મેળવાશે. બાદમાં જો ડિપાર્ટમેન્ટ હાઇકોર્ટમાં જશે તો કેસ ફરી ચાલશે તેવી શક્યતા છે. છતાં ઝવેરીઓનાં માથેથી હાલમાં ઘાત ટળી ગઈ છે.

જ્વેલર્સના ખેલ, આઇટીની નજરે

  • ​​​​​​​જ્વેલર્સે2 લાખથી નીચેના બિલ બનાવીને માલ વેચ્યો હતો. કેમ કે બે લાખથી ઉપરના બિલના કેસમાં પાનકાર્ડ આપવો જરૂરી હતો
  • રાતોરાત સ્ટોક ખાલી કરી દેવાયો પણ ચોપડે બતાવાયો ન હતો.
  • રાત્રે 12 વાગ્યા પછી પણ ધંધો ચાલુ રાખવામાં આવ્યો હતો અને જે ચલણી નોટ કાયદેસર રીતે ચલણમાં ન હતી તેનો ઉપયોગ કરાયો હતો.
  • સોફ્ટવેરમાં ચેડાં કરી નોટબંધીની રાત્રિના ડેટામાં ફેરફાર કર્યા હતા.
  • કેમેરા ફુટેજ ડિલિીટ કરાયા, કેટલાંકે ડિપાર્ટમેન્ટને આપ્યા નહતા.
  • આઇટીએ જે તે રાત્રિના વેચાણ પર સીધો 83 ટકા સુધીનો ટેક્સ લાગવ્યો હતો. અલબત્ત, આઇટીએટીએ તે હાલ રદ કરી દીધો છે.
અન્ય સમાચારો પણ છે...