દુર્ઘટના:ખટોદરા ઓવર બ્રિજ પર દોડતી કાર સળગી ઊઠી, દંપતીનો બચાવ

સુરત10 મહિનો પહેલા
  • રાણીતળાવના દંપતીએ તરત કારથી ઉતરી જઇ ફાયરને જાણ કરી

ખટોદરા ફ્લાઇ ઓ‌વર બ્રિજ ઉપર મંગળવારે રાત્રે બનેલી એક દુર્ઘટનામાં ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.કારના આગળના ભાગમાં ધુમાડો નીકળતા કારમાં સવાર દંપતી સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી આવ્યા હતા. જેના પગલે તેમનો બચાવ થયો હતો. થોડીક જ વારમાં કાર આગમાં લપેટાઇ ગઇ હતી.

રાણીતળાવ ખાતે રહેતા આદિલ બંગડીવાળા મંગળવારે રાત્રે તેમની પત્ની સાથે કારમાં બહાર જમવા માટે નીકળ્યા હતા. બંગડીવાળા દંપતીની કાર જેવી ખટોદરા ફ્લાઇ ઓવર બ્રિજ પરથી પસાર થઇ રહી હતી કે અચાનક કારના આગળના ભાગેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી આદિલ બંગડીવાળા અને તેમની પત્નીએ સમય સૂચકતા વાપરીને કારને બ્રિજ પર જ ઉભી રાખી દઇ ઉતરી ગયા હતા. ત્યાર બાદ જોતજોતામાં કારનો એન્જિનનો ભાગ આગની જવાળામાં લપેટાઇ ગયો હતો.

આદિલ બંગડીવાળાએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરની ગાડીઓ ફ્લાયઓવર બ્રિજ પર પહોંચી ગઇ હતી ગણતરીની મિનિટો પર આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનાના પગલે બ્રિજ પર થોડાક સમય માટે ટ્રાફિક જામ થયો હતો. આ ઘટનામાં સદ્નસીબે કોઇને ઇજા થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...