કતારગામમાં એમ્બ્રોઇડરીનું જોબવર્ક કરતા વેપારી પાસેથી ભેસ્તાનના લેભાગુ વેપારીએ દલાલ મારફતે દોઢ કરોડનો ચણીયાચોળી અને લેંઘાનો માલ ક્રેડિટ પર લઈ નાણાં ચુકવણી ન કરી દુકાન બંધ કરી ભાગી ગયો છે. વેપારી રાજેશ ડોબરીયાએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપી છે.
જેના આધારે પોલીસે ભેસ્તાન ખાતે યુનિટી ઈન્ડસ્ટ્રીયઝ એસ્ટેટમાં એશિયન એક્ષ્પોર્ટના નામે ધંધો કરતા લેભાગુ વેપારી નૌશાદ અબ્દુલરજાક ખાન(48)(રહે,હમના રેસીડન્સી,શાહપુર) અને કાપડ દલાલ કૈલાશ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. નૌશાદખાને ઘણા વેપારીઓ પાસેથી કપડાનો માલ લઈ નાણાં ઓહ્યા કર્યા છે.
વેપારી રાજેશ ડોબરીયાને બે માસમાં નાણાં આપવાનો વાયદો કર્યો હતો છતાં નાણાં ન આપી ભેસ્તાન ખાતેની દુકાન પર બંધ કરી દીધી હતી. દલાલે પણ મોબાઇલ બંધ કરી દીધા હતા અને ચેકો પણ રિટર્ન થયા હતા.
70 લાખની રકમ ચાઉં કરી યાદવ દંપતી ફરાર
અમરોલી ખાતે સૃષ્ટિ રો હાઉસમાં રહેતા કાપડના વેપારી ઘનશ્યામ વડછકે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે લેભાગુ વેપારી ભીમ મીસરીલાલ યાદવ અને તેની પત્ની સુષ્મા ભીમ યાદવ(બન્ને રહે,કોસાડ આવાસ,અમરોલી,મૂળ રહે,યુપી)ની સામે ગુનો નોંધ્યો છે.
વેપારીએ જણાવ્યું કે, વેપારી ભીમએ કતારગામ નવી જીઆઇડીસીમાં ખાતુ ભાડે રાખી માર્કેટમાંથી કાપડનો માલ લાવી જોબવર્ક કરવા માટે બીજા વેપારીઓને કાપડનો માલ આપતો હતો. 23 વેપારીઓ પાસેથી જોબવર્ક કરાવી 69.53 લાખની રકમ આપી ન હતી. આરોપી વેપારીએ પત્નીના નામે જીએસટી નંબર લીધો હતો. જોબવર્ક કરાવી લેભાગુ બારોબાર માલ સગેવગે કરી દંપતી ઘર અને મોબાઇલ બંધ કરી ભાગી ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.