ઉત્તરાયણ સમયે વ્યક્તિ મોતને ભેટતી હોય એવો કિસ્સો જોવા મળ્યો છે. ઘણા કિસ્સાઓમાં બાળકો પતંગ લૂંટવા માટે દોડાદોડી કરતાં અથવા તો ધાબા પરથી પડી જતાં મોતને ભેટતાં હોય છે, તો ઘણી વખત માંજાને કારણે વાહનચાલકોનું ગળું કપાતાં મોતને ભેટતા હોય છે. ત્યારે સુરતમાં કામરેજ ચાર રસ્તા પર બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે માંજાને કારણે ગળું કપાઈ જતાં મોત નીપજ્યું હતું.
પતંગના દોરાથી ગળું કપાતાં ઘટનાસ્થળે મોત
સુરત નજીક કામરેજ ચાર રસ્તા પરથી એક શ્રમજીવી પોતાની બાઈક પર પસાર થઈ રહ્યો હતો. દરમિયાન જ એકાએક પતંગનો દોરો આવી જતાં વાહનચાલકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વાહનચાલકના ગળા પરથી માંજો ફરી જતાં બાઈક પરથી નીચે ફટકાયો હતો. યુવકનું ગળું ભયંકર રીતે કપાયું હતું. એને કારણે તેનું મોત નીપજ્યું હતું. પતંગનો માંજો કેટલો હાનિકારક છે એ આ ઘટના પરથી સમજી શકાય છે.
ઘટનાસ્થળે મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું
મકરસંક્રાંતિમાં ઘણી વખત લોકો ખૂબ જ બેદરકારી રીતે પતંગ ઉડાવતા હોય છે. એને કારણે વાહનચાલકો પર મુસીબત આવી જતી હોય છે. કામરેજ ચાર રસ્તા પરથી પસાર થતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ નવાગામના રહેવાસી છે. પોતે કામકાજ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન જ ઘટના બની હતી. પતંગનો માંજો જાણે તીક્ષ્ણ હથિયાર હોય એ રીતે ગળા પર ફરી વળ્યો હતો. જાણે કોઈએ ગળા પર ચાકુનો ઘા મારી દીધો હોય, એટલી હદે પતંગના દોરાએ ગળાના ભાગે વાહનચાલકને ઈજા પહોંચાડી હતી.
લૂમ્સના કારખાનામાં કામ કરતા ઈસમે જીવ ગુમાવ્યો
નવાગામમાં રહેતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ 52 વર્ષીય ઉંમરના હતા. તેઓ લૂમ્સના કારખાનામાં મજૂરીકામ માટે જતા હતા. નિયમિત રીતે લૂમ્સના કારખાનામાંથી તેઓ સાંજના સમયે પરત આવતા હતા. એકાએક જ કામરેજ ચાર રસ્તા પાસે તેઓ કંઈ સમજે એ પહેલાં જ તેમના ગળા પરથી પતંગનો દોરો પસાર થયો હતો. એને કારણે ગળાની નસો કપાઈ જતાં ઘટનાસ્થળે તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.
પત્ની-પુત્રી સાથે બાઈક પર જતા યુવકનું ગળું કપાયું
પાંડેસરા-પુનિતનગર ખાતે રહેતા બબલુકુમાર હરીશચંદ્ર વિશ્વકર્મા(20)ફર્નિચરનું કામકાજ કરે છે. 19 ડિસેમ્બરે તેઓ ડિંડોલી ખાતે રહેતા તેમના કાકાના ઘરે જવા માટે પત્ની સંગીતાબેન અને 4 વર્ષીય પુત્રી આર્યાને સાથે લઈ બાઈક પર નીકળ્યા હતા. તેઓ પાંડેસરા પીયૂષ પોઈન્ટ બ્રિજ પરથી પસાર થતા હતા. દરમિયાન અચાનક પતંગની દોરી વચ્ચે આવી જતાં તેમનું ગળુ કપાઈ ગયું હતું. સાંજનો સમય હોવાથી દોરી દેખાઈ ન હતી, પરંતુ દોરી પડી હોવાનો અહેસાસ થતાં તેમણે હાથથી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેમનું ગળું કપાઈ ગયું હતું અને હાથમાં પણ ઈજા થઈ હતી.
પત્નીને દોરીથી આંગળીમાં ઈજા થઈ
દોરીથી બચવાના પ્રયાસમાં તેમની પત્નીને પણ આંગળીમાં ઈજા થઈ હતી અને બાઈક પરથી પડી ગયા હતા. દરમિયાન બબલુકુમારે પોતાની પુત્રીને બાઈક પરથી નીચે ઉતારી ગળે હાથ લગાવતાં લોહી જોઈ ગળું કપાઈ ગયું હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી તેમણે ગળા પર હાથ દબાવી રાખ્યો હતો અને લોકો દોડી આવતા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમને સારવાર માટે દાખલ કરાયા છે. હાલ બબલુભાઈની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ગોટાલાવાડી બ્રિજ પાસે આધેડનું ગળું કપાયું
બેગપુરા ખાતે રહેતા આરીફહુસૈન અકબર લોખંડવાલા(45) કલરકામ તેમજ રિક્ષા ચલાવતા તેમજ રિક્ષા ખરીદ-વેચની દલાલી પણ કરે છે. 12 ડિસેમ્બરે તેઓ એક રિક્ષાની ખરીદીની વાતચીત માટે મિત્ર બશીર પઠાણ સાથે ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે પરત આવતા હતા. તેઓ બાઈક લઈ ગોટાલાવાડી બ્રિજ પરથી કતારગામ તરફ નીચે ઊતરતા હતા. ત્યારે અચાનક પતંગની દોરી વચ્ચે આવી પડતાં તેમણે હાથ વડે દોરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. એમાં તેમના હાથની આંગળીમાં ઈજા થવાની સાથે જ તેમનું ગળું પણ કપાઈ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને સારવાર માટે દાખલ કરાયા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ગત વર્ષે એક મહિલાનું મોત થયું હતું
ગત વર્ષે મકરસંક્રાંતિના પર્વ દરમિયાન પતંગની દોરીને કારણે સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. પાંડેસરા કૈલાસનગર ખાતે રહેતા તારામુનિદેવી મિશરી માંઝી(50) તેમના પુત્ર કમાલને સાથે બાઈક પર કામ અર્થે બહાર ગયા હતા. તેઓ ઘરે પરત ફરતા હતા ત્યારે પાંડેસરા તેરેનામ ચોકડી પાસે પતંગનો દોરો અચાનક વચ્ચે આવી પડતાં તારામુનિદેવીએ બાઈક વચ્ચે સંતુલન ગુમાવી દીધું હતું અને નીચે પટકાયા હતા, જેથી ગંભીર રીતે ઘવાયેલા તારામુનિદેવીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત શહેરમાં મકરસંક્રાંતિના બે દિવસ દરમિયાન પતંગની દોરીથી ઇજા થવાના 36 જેટલા બનાવો નોંધાયા હતા. તેવી જ રીતે એને અટકાવવાના બનાવો અને વીજ કરંટ લાગવાના 5 બનાવ નોંધાયા હતા. જ્યારે માર્ગ અકસ્માત 107 બનાવો નોંધાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.