ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક માતા-પિતા તથા પતંગરસિકો માટે લાલબત્તી ધરતો બનાવ સામે આવ્યો છે. સુરતના અડાજણ-પાલ રોડ પર એક માસૂમ બાળક પાંચમા માળની અગાસી ઉપરથી પતંગ ચગાવતાં બહેન અને બાળમિત્રોની નજર સામે નીચે પટકાતાં મોતને ભેટ્યું છે. એગ્રિકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકના એકના એક દીકરા સાથે ઉત્તરાણ પહેલાં થયેલી દુર્ઘટના એ માતા-પિતાઓ માટે જાગ્રત રહેવાનો સંદેશો આપી રહી છે. પીડિત પિતાએ કહ્યું હતું કે કાલે પહેલી જ વાર પતંગ આપ્યા ને છ વર્ષના માસૂમ તનયના જીવનની દોર તૂટી ગઈ, પત્ની તો હજી અજાણ છે. લાડકા દીકરાના મૃતદેહને જોઈ તેના પર શું વીતશે એ ખબર નથી..
ધોરણ-1માં અભ્યાસ કરતો
હિરેનભાઈ પટેલ (પીડિત પિતા)એ જણાવ્યું હતું કે તનય ધોરણ-1માં અભ્યાસ કરતો હતો. રોજ નીલકંઠ એવન્યુના બાળમિત્રો સાથે ધાબા પર રમવા જતો હતો. તેની મોટી બહેન એની સાથે જ રહેતી હતી. ગુરુવારની સાંજે તનયે પતંગ ચગાવવાની જીદ કરતાં માતાએ પતંગ લાવી આપ્યો હતો. બહેન અને બીજા બાળમિત્રો સાથે જ હતા. તનય પટકાતાં અચાનક બૂમાબૂમ અને ચિચિયારીઓ પડતાં લોકો ભેગા થઈ ગયા હતા.
માથા અને છાતીમાં ઈજા પહોંચી
પત્નીએ દોડીને જોયું તો તનય અગાસી પરથી એટલે કે લગભગ 60-70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. માથા અને છાતીમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક દોડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં મૃત જાહેર કરાયો હતો. પત્નીને તો એમ જ છે કે તનય હોસ્પિટલમાં દાખલ છે અને સાજો છે, મારું મન જ જાણે છે. હું આખી રાત દીકરાના મૃતદેહ સાથે કેમ રહ્યો છું, એમ મૃતકના પિતાએ કહ્યું હતું.
માતા દીકરાના મોતથી અજાણ
હિરેનભાઈએ વધુમાં કહ્યું હતું કે હું પોતે મદદનીશ પ્રાધ્યાપક છું. એગ્રિકલ્ચર કોલેજ ઘોડદોડ રોડ, સુરતમાં. બસ પોસ્ટમોર્ટમ થાય પછી દીકરાના મૃતદેહને ઘરે લઈ જઈશું, પણ તેની માતાને કેવી રીતે અને કેમ શાંત રાખવી એ ખબર નથી પડતી. તે તો દીકરાને મળવાની જીદ પકડીને બેઠી છે. હાલ અડાજણ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.