દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગતરોજ બપોર બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે સુરત જિલ્લાના વરેલી ગામે સ્કૂલમાં ગયેલા બાળકોને નિયત સમયે અને સ્થળે લેવા આવેલી મહિલા વરસાદથી બચવા પતરાના શેડ નીચે અન્ય બે સાથે ઉભી હતી. ત્યારે ઉપરથી ધડામ દઈને શેડ પડ્યો હતો. જેથી મહિલા સહિત વૃદ્ધ અને અન્યને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. દુર્ઘટનાનો સમગ્ર વીડિયો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.
પતરાનો શેડ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
વરલી ગામમાં રાધાપુરમ સોસાયટીમાં રહેતા મહિલા તેમ જ અન્યો પતરાના શેડની નીચે ઉભા હતા. નિયમિતપણે મહિલા શાળાએ ગયેલા પોતાના બાળકોને સ્કૂલ બસ છોડવા આવે છે. નિયત સમયે મહિલા પોતાના બાળકને લેવા માટે પહોંચી ગઈ હતી. તે દરમિયાન વૃદ્ધ અને અન્ય એક મહિલા પણ ત્યાં ઉભી હતી વાતચીત શરૂ હતી અને એકાએક જ ભારેખમ પતરાનો શેડ તેના પર પડ્યો હતો.
પતરાનો શેડ પડતા આસપાસના લોકો દોડી આવ્યા
સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે, મહિલા જ્યારે પતરાના શેડ નીચે ઉભી હતી. તે દરમિયાન વરસાદી માહોલ હતો. પૂરપાટ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. એ જ સમયે મહિલા જ્યાં ઉભી હતી. ત્યાં ઉપરનો જે પતરાનો શેડ હતો. તે ભારે શેડ તેના ઉપર પડ્યો હતો. તે કંઈ સમજી શકે તે પહેલા જ પતરાના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. તેમજ અન્ય વૃદ્ધ પણ નીચે દબાઈ ગયા હતા. આસપાસના લોકો તાત્કાલિક અસરથી ધડાકાભર આવેલા અવાજના કારણે તેમજ અન્ય એક મહિલાએ બૂમાબૂમ કરતા તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા. જેમાં વયોવૃદ્ધને માથાના ભાગે અને મહિલાને પણ ઈજા થઈ હતી.
અગાઉ પણ એક શેડ પડ્યો હતો
ઇજાગ્રસ્તના પતિ મનોજભાઈએ જણાવ્યું કે, મારી પત્ની મારા બાળકોને લેવા માટે ગઈ હતી. તે દરમિયાન એકાએક આ ઘટના બની હતી. મહિલાના ખભાના ભાગે ગંભીર ઈજા થઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને પ્લાસ્ટર કર્યું છે. તેમજ અન્ય એક વયોવૃદ્ધને માથાના ભાગે ઇજા થઈ છે. અગાઉ પણ એક શેડ અહીં પડ્યો હતો. બિલ્ડરે પણ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈતી હતી. જો થોડા સમય બાદ આ ઘટના બની હોત તો કદાચ મારા બાળકો પણ આ શેડના નીચે દબાઈ ગયા હોત અને મોટી દુર્ઘટના થઈ હોત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.