લક્ઝરિયસ કાર ચલાવવાના અભરખા પુરા કરવાના ચક્કરમાં વરાછાનો રત્નકલાકારે શોરૂમમાંથી 88 લાખની રેન્જ રોવર ટેસ્ટ ડ્રાઇવ માટે લઇ નીકળી અકસ્માત સર્જ્યો હતો. જેમાં રેન્જ રોવર સાથે અન્ય બે કારોને નુકસાન પહોંચાડ્યું હતું. સાથે બે લોકોને અડફેટે લીધાં હતાં.
હીરાના કારખાનામાંથી નોકરી છોડી મોટા વરાછાના 24 વર્ષીય રત્નકલાકાર રોનક દિલીપ ચોવટિયા (સાંઇ દર્શન સંકુલ, મોટા વરાછા) મોંઘીદાટ ગાડીનો શોખ પુરો કરવા માટે 16મી માર્ચે ડુમસ રોડના નવજીવન લકઝરીયા કારના જગુઆર-લેન્ડ રોવર કારના શોરૂમમાં પહોંચી ગયો હતો.
જ્યાં રત્નકલાકારે 4 કરોડની કાર લેવાની વાત કરી હતી. બીજા દિવસે 17મી માર્ચે ફરી પાછા શોરૂમ પર આવી રોનકે 4 કરોડની કારને બદલે 88 લાખની રેન્જ રોવર કાર ખરીદી કરવાની વાત કરી 2 લાખનો ચેક આપ્યો હતો. રત્નકલાકારે કારની ટ્રેસ્ટ ડ્રાઇવ માંગી હતી. આથી શોરૂમના કર્મચારીએ રેન્જ રોવર કારમાં બાજુની સીટ પર બેસી રત્નકલાકારને કાર ચલાવવા આપી હતી.
સર્વિસ રોડ પર રત્નકલાકારે ફોર્મમાં આવી કાર ફુલસ્પીડમાં ચલાવવા જતા સર્વિસ રોડ પર પાર્ક કરેલી બે કારને અડફટે લીધી હતી. બન્ને કાર શોરૂમમાં નોકરી કરતા બે કર્મચારીઓની હતી. સાથે રેન્જ રોવર કાર ફુટપાથ ચઢાવી દીધી હતી. રેન્જ રોવર કારને એક્સિડેન્ટમાં 10 લાખનું ઉપરાંત બે કર્મચારીઓની કારોને નુકશાન કર્યુ હતું. ઘટનાને પગલે શોરૂમના મેનેજર આકાશ સુનિલ શાહએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ચાલક રોનક ચોવટીયા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
પિતા પાનનો ગલ્લો ચલાવે છે અકસ્માત સર્જનાર 24 વર્ષીય આરોપી રોનક ચોવટીયાનો પિતા વરાછામાં પાનનો ગલ્લો ચલાવે છે, રોનલ પહેલા હીરાના કારખાનામાં નોકરી કરતો હતો અને હાલમાં બેકાર છે. આરોપીએ કાર ચલાવવાના શોખમાં ટેસ્ટ ડ્રાઇવ લેવા ગયો હોવાની વાત પોલીસને જણાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.