• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 83 year old Dhanu Bae Gave Birth To More Than 1500 Children In 50 Years, Gave Birth To Both Mother in law In More Than 15 Families

મધર્સ ડે વિશેષ:83 વર્ષના ધનુ બાએ 50 વર્ષમાં 1500થી વધુ બાળકોને જન્મ અપાવ્યો, 15થી વધુ પરિવારમાં સાસુ-વહુ બંનેની પ્રસૂતિ કરાવી

સુરત9 દિવસ પહેલાલેખક: પ્રેમ મિશ્રા
  • કૉપી લિંક
ધનુ બા (ઉ.વ. 83) - Divya Bhaskar
ધનુ બા (ઉ.વ. 83)
  • ઉંબેર ગામના માજી 22 વર્ષના હતા ત્યારે નર્સની ટ્રેનિંગ લઈ સેવામાં લાગ્યા હતા

આજે મધર્સ ડે નિમિત્તે સુરતની એક એવી માતા વિશે વાત કરીશું જે 1500થી વધુ બાળકોને દુનિયામાં લાવવામાં મદદરૂપ બન્યા છે. સુરતના ઉંબેર ગામના ધનુબા પટેલે ગામડાઓ અને તેની આજુબાજુના વિસ્તારમાં 1500થી વધુ મહિલાની પ્રસૂતિ કરાવી છે. હાલ તેમની ઉંમર 83 વર્ષની છે અને 50 વર્ષથી વધુ સમયથી તેઓ પ્રસૂતિ કરાવી રહ્યા છે.

તેઓ 22 વર્ષના હતા ત્યારે નર્સ તરીકેની ટ્રેનિંગ લઈ જ આ કામ કરી રહ્યા છે. હોસ્પિટલમાં પણ સેવા આપી ચુક્યા છે. હાલમાં પણ કોઈ પ્રસૂતી માટે બોલાવે તો અડધી રાત્રે પહોંચી જાય છે. 50 વર્ષમાં 2-2 પેઢીની પ્રસૂતિ કરાવી છે. 15થી વધુ એવા પરિવાર છે જ્યાં તેમણે સાસુ-વહુ બંનેની પ્રસૂતિ કરાવી છે.

સૌથી વધુ ખુશી ત્યારે મળે કે જ્યારે બાળક સ્વસ્થ જન્મે, 100 વર્ષ જીવીશ અને સેવા કરીશ
આ સામાજિક કામ કરી મને આનંદ મળે છે. નજીકના ગામડામાં કોઈ શુભ કે અશુભ પ્રસંગ હોય ત્યારે લોકો મારા ભરોસે ઘર મુકી દે છે. ગામમાં કોઈ ઘરમાં પરિવારના સભ્યો બહાર ગયા હોય અને ઘરમાં વૃદ્ધો જ હોય ત્યારે તેઓ એ ઘરમાં રહીને વૃદ્ધોને મદદરૂપ થાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એમણે કરાવેલી પ્રસૂતિથી જન્મેલા બાળકો આજે અલગ-અલગ ક્ષેત્રે કાર્યરત છે.

તેઓ કહે છે કે, મને સૌથી વધુ ખુશી એ વાતની થાય છે કે, બાળક સ્વસ્થ અને સારી રીતે જન્મે ત્યારે ખૂબ જ ખુશી મળે છે. ગામના લોકોનું માનવું છે કે, ધનુ બાના હસ્તે જન્મેલો બાળક હેલ્ધી રહે છે અને માતાને પણ કોઇ તકલીફ નથી થતી. એમની તંદુરસ્તી વિશે કહ્યું કે, સાદું ભોજન જ લઉં છું. જેના કારણે હું 100 વર્ષ જીવીશ અને લોકસેવા કરીશ. - ધનુ બા

‘સેવા માટે કોઈ પાસે રૂપિયા માંગતી નથી, ખુશીથી જે આપે તે લઉં છું’
ધનુબા પટેલે કહ્યું કે, પતિની તબિયત સારી રહેતી ન હતી જેથી એમને પણ સંભાળતા હતા. ઘણીવાર તો જે ઘરમાં ડિલીવરી કરાવવા જતા ત્યાં અઠવાડિયા સુધી રહેવું પડતું હતું. બાળકનો જન્મ થાય ત્યાંથી લઈ મહિના સુધી બાળકની માલિશથી લઈ કસરત સુધીની દરેક બાબતે સંભાળ કરવાનું કામ કરે છે. કોઇને બીમારી કે શારીરિક તકલીફ હોય ત્યારે ધનુબા એમના સેવા માટે પહોંચી જાય છે. આ કામ માટે તેઓ કોઇની પાસે રૂપિયા માંગતા નથી, પણ ખુશીથી કોઈ આપી દે છે.

અન્ય સમાચારો પણ છે...